આરોગ્યરાષ્ટ્રીય

કોરોનાકાળમાં મૃત્યુ પામેલાઓની મૃત્યુ સહાય અંગે ફરી એકવાર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી…

કોરોનાકાળમાં મૃત્યુ પામેલા દર્દીઓની મૃત્યુ સહાય અંગે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કબૂલાત કરી છે કે, સરકારી ચોપડે નોંધાયેલ 10 હજાર 579 મોત સામે મૃત્યુ સહાય માટે એક લાખથી વધુ અરજીઓ આવી છે. જેમાં સરકારે 87 હજાર જેટલી અરજીઓ મંજુર કરી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે ઘણા રાજ્યોમાં સરકારી આંકડા અને કોરોના સહાય માટે મંજુર કરેલી અરજીઓના આંકડાઓમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. આટલા બધા ક્લેમ ખોટા ન હોઈ શકે, જેથી સરકારે મંજૂર કરેલી અરજીને ઓફિશિયલ કોરોના ડેથ ગણવાની જરૂર છે. રાજ્ય સરકારોએ ઓફિશિયલ આંકડામાં સુધારો કરવાની જરૂર છે.

કોરોના મૃત્યુ સહાય મુદ્દે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં વિગતો રજૂ કરી હતી. જેમાં સરકારી ચોપડે નોંધાયેલ 10579 મૃત્યુ સામે કોરોના મૃત્યુ સહાય માટે 102230 અરજીઓ કરવામાં આવી છે, જે પૈકી રાજ્ય સરકારે 87045 અરજીઓ મંજુર કરી છે. અગાઉ કોરોનાના કારણે મૃત્યુ થયું હોય અથવા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોય અને એક મહિનામાં મૃત્યુ થયું હોય એવા દર્દીના મોતને કોરોના મૃત્યુ ગણીને સહાય ચૂકવવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો.

સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારને માત્ર આંકડા જ નહીં પરંતુ મૃતકોના નામ, સરનામાં, મૃત્યુ તારીખ સહિતની વિગતો રજૂ કરવા હુકમ કર્યો છે. આ તમામ વિગતો રાજ્ય સરકારો તેમના રાજ્યની લીગલ સર્વિસીસ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરીને પુરી પાડે. રાજ્ય સરકાર ચીફ મિનિસ્ટર સેક્રેટરીએટના ડેપ્યુટી સેક્રેટરી કક્ષાના અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવા પણ હુકમ કર્યો છે. નોડલ ઓફિસર અને મેમ્બર સેક્રેટરી એક બીજાના સંકલનમાં મૃતકોના પરિવારજનોને વળતર ચુકવવાની કામગીરી કરશે.

કોર્ટે નોંધ્યું કે વેલ્ફેર સ્ટેટ તરીકે સરકારની વળતર આપવાની જવાબદારી છે, કારણ કે રાજ્ય સરકાર વળતર ચૂકવીને કોઈની પર ઉપકાર નથી કરતી તેવી કોર્ટે ટકોર પણ કરી છે. તે ઉપરાંત કોઈ કારણોસર સહાય અરજીઓ નામંજુર ન થવી જોઈએ, તેમ પણ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આદેશ કર્યો છે. આ માટે સરકારોએ બજેટમાં પ્રોવિઝન કરવાની જરૂર નથી, પણ ચીફ મિનિસ્ટર કોવિડ રિલીફ ફન્ડ કે સ્ટેટ ડિઝાસ્ટર મેનજમેન્ટ ફન્ડમાં થી મૃતકોના પરિજનોના વળતર ચૂકવાય તેમ કહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x