ગુજરાત

APMC ચૂંટણીનું આજે પરિણામ, 9 વાગ્યાથી શરુ થઇ મતગણતરી

મહેસાણા (Mehsana ) APMCની 24 વર્ષે યોજાયેલી હરીફ ચૂંટણીના આજે પરિણામ (Result) છે. ખેડૂત વિભાગ (Farmer section)માં 10 બેઠક માટે 11 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી.જેનું પરિણામ આજે જાહેર થશે. સવારે 9 કલાકથી જ મતગણતરી શરુ કરી દેવામાં આવી છે. 11 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં 609 મતદારોમાંથી 579 મતદારોએ મતદાન કર્યું હતું. એપીએમસીની ચૂંટણી માટે 95.7 ટકા મતદાન થયું છે.

મહેસાણા APMCની 24 વર્ષે યોજાયેલી હરીફ ચૂંટણીના પરિણામ પર સૌ કોઇની નજર છે. કારણ કે 24 વર્ષે આ ચૂંટણી યોજાઇ છે. મહેસાણા એપીએમસીમાં ભાજપના જ બે બળવાખોર ઉમેદવારોના કારણે વર્ષો બાદ આ ચૂંટણી યોજાઈ. ખરીદ-વેચાણ વિભાગની બે અને વેપારી મંડળની 4 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. જેથી હવે પરિણામ પર સૌની નજર છે.

વર્ષ 1997 થી વર્ષ 2016 સુધી કોંગ્રેસના એન.પી.પટેલનું શાસન હતું. જેઓનો મહેસાણા APMCમા દબદબો હતો. જેના કારણે સતત બિન હરીફ રહેતા તેઓનું શાસન જળવાયેલું રહ્યું હતું. જોકે વર્ષ 2016માં મહેસાણાના ધારાસભ્ય અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની પ્રયત્નોને કારણે કોંગ્રેસના એન.પી.પટેલની સત્તા આંચકી ભાજપે મહેસાણા APMCમા સત્તા હસ્તગત કરી હતી. અને ભાજપના નેતા ખોડભાઇ પટેલ APMCના ચેરમેન તરીકે બિનહરીફ નિમાયા હતા.

બિનહરીફ ન કરી શકતા ભાજપના 5 વર્ષના શાસન બાદ ચૂંટણી

વર્ષ 1997 થી વર્ષ 2016 સુધી કોંગ્રેસના એન.પી.પટેલ અને બાદમાં વર્ષ 2016 થી ભાજપનું શાસન મહેસાણા APMCમા રહ્યું. જો કે 5 વર્ષના નિર્વિવિવાદિત શાસન બાદ 2 અસંતુષ્ટોના કારણે મહેસાણા APMCમાં ચૂંટણી યોજવાની ફરજ પડી.

ભાજપના જ બે નેતાઓના જૂથ – નીતિન પટેલ અને રજની પટેલ

મહેસાણા APMCમાં ભાજપના જ બે નેતાઓના જૂથને સાચવી લેવાયા છે. જેમાં પૂર્વ ગૃહ પ્રધાન અને ભાજપના હાલના મહામંત્રી રજની પટેલના બહુચરાજી વિસ્તારમાં 7 ઉમેદવારો અને 7 મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલના મતવિસ્તારના 7 ઉમેદવારો મૂકી નીતિન પટેલ અને રજની પટેલને પક્ષ દ્વારા સાચવી લેવાયા છે. એટલે કે એમ કહી શકાય કે પક્ષના જ બે નેતાઓને લઈને કોઈ વિવાદ ન સર્જાય તે માટે પક્ષે એ પ્રમાણે મેન્ડેડ વહેંચ્યા હતા કે કોઈ વિવાદ ન થાય.

કોણ બનશે ચેરમેન ?

નીતિન પટેલ અને રજની પટેલના જૂથના 7 – 7 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે, બંનેની પેનલના ઉમેદવારો પૈકી કોને ચેરમેન બનાવવા એ પણ પ્રશ્ન ઊભો થશે. જેમાં હવે જે જૂથના ઉમેદવારોની બહુમતી આવશે તે જૂથનો ચેરમેન બનશે તે નક્કી છે.

અસંતુષ્ટ બે ઉમેદવારો

મહેસાણા APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બે બેઠક માટે 12 ઉમેદવારો મેદાનમાં ઊતર્યા. જેમાં 10 ઉમેદવારો તો ભાજપના મેન્ડેડ સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યુ. જોકે બાકીના 2 ઉમેદવારો બાબુભાઈ અંબારામ પટેલ પીલુદરા વાળા અને રામાભાઈ શિવરામ દાસ ખેરવા વાળાએ અલગથી ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી છે. જેના કારણે ભાજપ પણ આ ચૂંટણી બિનહરીફ ના કરી શક્યું અને ચૂંટણી યોજવી પડી. આ બંને ઉમેદવારો પૈકી બાબુભાઈ પટેલે તો ભાજપને ટેકો આપ્યાની ચર્ચા પણ ચાલી રહી છે. તો રામાભાઈ પટેલની એવી માંગ હતી કે યંગ જનરેશનને પણ મોકો મળવો જોઈએ જે મુદ્દાને લઈને 66 વર્ષે પોતે ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી રહ્યા હતા. જોકે અંદર ખાને એ પણ ચર્ચાએ જોર પકડ્યું હતું કે રામાભાઈ જમીનના વિવાદમાં હરીફ ઉમેદવાર સાથેના વિવાદમાં ઉમેદવારી નોંધાવી રોષ ઠાલવી રહ્યા છે. પરંતુ એ વાત પણ નોંધનીય છે કે, આ બંને ઉમેદવારોને કોઈનો ટેકો નથી.

મહેસાણા APMCમાં 10 ખેડૂત વિભાગ, 4 વેપારી વિભાગ, 2 ખરીદ વેચાણ સંઘના પ્રતિનિધિ ની ચુંટણી યોજવાની હતી જેમાંથી 4 વેપારી અને 2 ખરીદ વેચાણ વિભાગના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. જેના કારણે બાકીની 10 ખેડૂત વિભાગની બેઠકો માટે ગઇકાલે મતદાન થયું છે.

અમિત શાહની સહકાર વિભાગમાં એન્ટ્રીની મહેસાણા APMC પર અસર

કહેવાય છે કે ભાજપના મહામંત્રી રજની પટેલ અમિત શાહ જૂથના હોવાથી મહેસાણા APMC પર શાસન માટે અમિત શાહની પણ આ ચૂંટણી પર નજર છે. અગાઉ વર્ષ 2016 માં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના પ્રયત્નોથી ભાજપે બિન હરીફ મહેસાણા APMCમા સત્તા હાંસલ કરી હતી. પરંતુ આ વખતે નીતિન પટેલ અને રજની પટેલ જૂથ ના 7 -7 ઉમેદવારો મેદાનમાં છે. હવે જોવું એ રહ્યું કે કોની આગેવાની મહેસાણા APMCમા રંગ લાવે છે અને કોના જૂથનો ઉમેદવાર ચેરમેન બને છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x