નડિયાદના સંતરામ મંદિરના હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં દિવ્ય સાકર વર્ષા ઉત્સવ ઉજવાયો
સંતરામ મહારાજનો (Santram Maharaj) 191માં સમાધિ મહોત્સવની (Samadhi Mahotsav)ઉજવણી કરવામાં આવી. જેમાં હજારો કિલો સાકર (Sugar)મંદિર પરિસરમાં ઉછાડવામાં આવી હતી. માધની પૂનમે નડિયાદ સંતરામ મંદિરમાં સાકર વર્ષાનો અનેરો મહિમા છે. દર વર્ષની જેમ આજે મહા સુદ પૂનમ અને યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 191માં સમાધિ મહોત્સવ પ્રસંગે અખંડ જયોતના આશીર્વાદ અને મંદિરના ગાદિપતિ પૂ. રામદાસજી મહારાજની નિશ્રામાં સાકર વર્ષા કરવામાં આવી હતી.
સાંજના સમયે સંતરામ મંદિરમાં સફેદ વસ્ત્રોમાં પૂ. રામદાસજી મહારાજ અને સંતરામ મંદિરની જુદા જુદા શાખાના અન્ય મહંતો સાંજે સમાધિ સ્થાનની સામે ઉભા કરવામાં આવેલા મંચ પર આવ્યા હતા. બાદમાં સમાધિ સ્થાનની મહાઆરતી કરવામાં આવી હતી. જે વર્ષમાં ફકત એક જ વાર કરવામાં આવે છે.
આજે આશરે 2000 કિલો કરતા પણ વધારે સાકરની ઉછામણી કરવામાં આવી હતી. આજે યોજાયેલા દિવ્ય સાકર વર્ષા કાર્યક્રમને લઇ જિલ્લા કલેક્ટર દ્વારા ભાવિક ભક્તોને મંદિર સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. અને સંતરામ રોડ પર પસાર થતા વાહનો માટે રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. તો ખેડા પોલીસ દ્વારા પણ સમગ્ર મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજે યોજાયેલા દિવ્ય સાકર વર્ષા ઉત્સવમાં ત્રણ વર્ષ બાદ આટલી વિશાળ જનમેદની જોવા મળી હતી. કોરોના કાળમાં મંદિરમાં ઉત્સવો બંધ બારણે ઉજવવામાં આવતા હતા.