રાજકોટની જમીનમાં ઝોન ફેરફારમાં પૂર્વ CM વિજય રૂપાણીનાં આગ્રહથી રૂ. ૫૦૦ કરોડથી વધુનું કૌભાંડ : સુખરામભાઈ રાઠવા
ગાંધીનગર :
દેશ અને રાજ્યના નાગરિકોના સહારા કંપનીની વિવિધ સ્કીમોમાં કરોડો રૂપિયા ફસાઈ ગયા છે. ખાનગી કંપનીઓમાં ફસાયેલા નાણા નાગરિકોને પરત કેવી રીતે મળે તે જોવાની ફરજ જે-તે સરકારની હોય છે. સહારાની પેટા કંપની સહારા ઈન્ડિયા હોમ. કોર્પોરેશન, લખનઉની ટાઉનશીપ બાંધવા માટે રાજકોટ ખાતે મોટી જગ્યા ઉપલબ્ધ હતી. સહારા કંપનીની વિવિધ સ્કીમોમાં રોકાયેલ નાણા અને પ્લોટીંગના નામે ઉઘરાવેલ નાણાં પરત અપાવવા માટે રસ દાખવી કંપનીની જમીન શ્રીસરકાર કરવાના બદલે સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફારમાં ભારતીય જનતા પક્ષના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને રાજકોટના ભાજપના આગેવાન શ્રી નીતિન ભારદ્વાજના આગ્રહના કારણે અંદાજે રૂ. ૫૦૦ કરોડથી વધારે રકમનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરી ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર અને કોંગ્રેસ પક્ષના દંડકશ્રી સી. જે. ચાવડાએ સંયુક્ત રીતે પત્રકાર અને મીડીયાના મિત્રોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી(રૂડા)માં સમાવિષ્ટ આણંદપુર (નવાગામ) અને માલીયસણા ગામના જુદા-જુદા ૨૦ રેવન્યુ સર્વે નંબરની ૫,૩૭,૨૪૦ વાર (૧૧૧-૦૬ એકર) જમીન હતી. આ જમીન મુળ સહારા ઈન્ડિયા હોમ. કોર્પોરેશન, લખનઉ દ્વારા ટાઉનશીપ બાંધવા માટે હતી. આ જમીનના સર્વે નંબરવાર ક્ષેત્રફળની વિગતો મુજબ ઝોન ફેરફારની મંજૂરી આપવા માટે સહારા ઈન્ડીયા કોમર્શિયલ કોર્પોરેશનના મુખત્યારની અરજીઓના આધારે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી(રૂડા)એ તા. ૩૧-૧૨-૨૦૧૮ની ૧૫૬મી બોર્ડ બેઠકમાં ઠરાવ નં. ૧૭૮૮થી ઠરાવ કરી તા. ૩૧-૧-૨૦૧૯થી ઝોન ફેરફારની દરખાસ્તો શહેરી વિકાસ વિભાગને મોકલેલ. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી કે જેઓ શહેરી વિકાસ વિભાગનો હવાલો સંભાળતા હતા તેમણે આ દરખાસ્તો પૈકી સહારાની જમીનમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ની કલમ-૧૯ હેઠળ ઝોન ફેરફાર કરવા પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવા મંજૂરી આપેલ. તા. ૨-૧-૨૦૨૧ના રોજ બહાર પાડવામાં આવેલ પ્રાથમિક જાહેરનામાને આખરી કરવા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ નીતિન ભારદ્વાજ અને ભાજપના આગેવાનોના આગ્રહને વશ થઈને તા. ૨૮-૫-૨૦૨૧ના રોજ મંજૂરી આપેલ, જેના આધારે શહેરી વિકાસ વિભાગે તા. ૮-૬-૨૦૨૧ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરેલ.
ભારતીય જનતા પાર્ટીના પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના થલતેજ અને વસ્ત્રાપુરની જમીનો છુટી કરવા તત્કાલીન કલેક્ટર વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને બોલાવીને મંજૂરી આપવા દબાણ કરેલ. આ અધિકારી અગાઉ રાજકોટમાં કલેકટર હતા અને તેઓને રાજકોટથી બદલીને અમદાવાદમાં મુકવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં રૂ.૧૦૦ કરોડનો વહીવટ થવાની ગંધ આવતા દિલ્હીની સુચના મુજબ કલેકટર વિક્રાંત પાંડેની રાતોરાત બદલી થઈ હતી અને આ પ્રકરણને મહેસુલ સચિવે સ્ટે કરેલ. આવા તો અનેક કૌભાંડો ભાજપના શાસનમાં થયેલ અને આખી સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાના કારણે આખી સરકારને બદલવાની ફરજ પડી હતી.
ભાજપના પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં પરિવારજનો સાથે ઘરોબો ધરાવતાં અધિકારીઓની મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકો બોલાવીને રાજકોટ સહિત અન્ય શહેરો અમદાવાદ, સુરત અને વડોદરામાં લાખો વાર જમીનમાં આપવામાં આવેલ ઝોન ફેરફારની મંજૂરીઓ રદ્દ કરવી જોઈએ. રાજકોટમાં હાલના પોલીસ કમિશ્નર, કલેકટર અને શ્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમ્યાન રહેલા કલેકટરો દ્વારા નાગરિકોના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલવાના બદલે કહ્યાગરા બનીને કામ કરી રહ્યા છે તેના કારણે હાલમાં સત્તાધારી પક્ષના ધારાસભ્યશ્રીઓ પણ બળવો પોકાર્યો છે.
નાગરિકોના હિતમાં રાજ્ય સરકારે તાત્કાલિક નિર્ણય કરી આ ઝોન ફેરફારની મંજૂરીઓ તાત્કાલિક અસરથી રદ્દ કરવી જોઈએ અને જમીન શ્રીસરકાર કરવી જોઈએ તેમજ રાજકોટના આર. કે. બિલ્ડર્સ, શેઠ બિલ્ડર્સ અને અન્ય કયા અને કેટલા બિલ્ડરો ભાગીદારીથી આ જમીન પડાવવા માંગે છે તેની અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કરેલ નિર્ણય અને આ નિર્ણયમાં રાજકોટના ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજ અને અન્યોની સંડોવણીની ભૂમિકા અંગે સમગ્ર પ્રકરણની સીબીઆઈ મારફત તપાસ થવી જોઈએ તેવી કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે.