મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, આ રાજય સરકારનાં મત્રીની ધરપકડ થતાં રાજકીય ખળભળાટ
મની લોન્ડ્રીંગ તથા અંડરવર્લ્ડ કનેકશનના મામલે મહારાષ્ટ્રના મંત્રી તથા એનસીપી નેતા નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ધરપકડ કરતા રાજકીય ખળભળાટ સર્જાયો છે. આ પહેલા મંત્રીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અંડરવર્લ્ડ, દાઉદ લિંક પર પૂછપરછ કરવામાં આવી હતી.
બોલીવુડના કિંગ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ તેના બચાવમાં મેદાને આવેલા અને ચર્ચામાં રહેલા એનસીપીના વરિષ્ઠ નેતા તથા મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના કુર્લા સ્થિત નિવાસસ્થાને સવારે સાત વાગે જ એન્ફોર્સમેન્ટ વિભાગનો કાફલો ત્રાટકયો હતો અને દરોડા કાર્યવાહી હાથ ધરી હતી. આ પછી નવાબ મલિકને પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ વિભાગની કચેરીએ લઇ જવામાં આવ્યા હતા.મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ એન્ફોર્સમેન્ટ વિભાગે હવાલા પ્રકરણમાં પકડેલા પુરાવાઓમાં નવાબ મલિકનું નામ ખુલ્યું હતું અને તેના અનુસંધાને દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મનાય છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે નવાબ મલિકની પૂછપરછ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. શિવસેનાના નેતા સંજય રાઉત, NCP સુપ્રીમો શરદ પવારનું નિવેદન પણ આવ્યું છે. એનસીપી નેતા પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહીથી રાજકીય ખળભળાટ સર્જાયો છે. મહારાષ્ટ્રમાં સંયુક્ત સરકાર ઉથલાવવા માટે કેટલાક વખતથી ભાજપ સતત પ્રયત્નો કરી રહ્યાનું કહેવાય જ છે. ત્યારે એનસીપી નેતા પરની આ કાર્યવાહી નવો રાજકીય રંગ પકડવાની શક્યતાનો પણ ઇન્કાર થતો નથી.