રાજ્ય ગૃહમંત્રીના જિલ્લામા તાપી નદીના કિનારે ધમધમતા ગેરકાયદે કતલખાનામા કરાઇ ગૌહત્યાઃ 1500 કિલો ગૌમાંશનો જથ્થો પકડાયો
સુરત :
ચોકબજાર ધાસ્તીપુરાના પાલીયા ગ્રાઉન્ડ તાપી નદીના પાળા પાસે દબાણ કરી બનાવવામાં આવેલા પતરાના શેડમાં ધમધમતા ગેરકાયદે કતલખાના પર દરોડા પાડી લાલગેટ પોલીસે 1500 કિલોગ્રામ ગૌમાંશ ઉપરાંત કુહાડી, છરા અને ગાયના કપાયેલા અંગો કબ્જે લઇ બે ની ધરપકડ કરી હતી. જયારે પોલીસને જોતા વેંત ભાગી જનાર કતલખાનાનો માલિક સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ચોકબજાર ધાસ્તીપુરા પાલીયા ગ્રાઉન્ડ તાપી નદીના પાળા પાસે પતરાના શેડમાં ગેરકાયદે કતલખાનું ધમધમતું હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી. જેથી ગૌરક્ષકોએ લાલગેટ પોલીસને જાણ કરી વોચ ગોઠવી આજે સવારે દરોડા પાડતા કતલખાનામાં દોડધામ મચી જતા બે જણા ભાગી ગયા હતા જયારે બે ઝડપાયા ગયા હતા. ઝડપાયેલા જાબીર સત્તાર શેખ (ઉ.વ. 38 રહે. 704, રઝાનગર ઝુંપડપટ્ટી, કિન્નરી ટોકીઝ સામે, ભાઠેના અને મૂળ. માલીખેલ, જલગાંવ, જિ. બુલઢાણા, મહારાષ્ટ્ર) અને અકીલ યાકુબ શેખ (ઉ.વ. 34 રહે. ખાજાનગર, માનદરવાજા, રીંગરોડ અને મૂળ. એવરખેડ મહોલ્લો, તા. કેલારા, જિ.અકોલા, મહારાષ્ટ્ર) ની પૂછપરછ હાથ ધરી હતી.
જેમાં ગૌહત્યા પર પ્રતિબંધ હોવા છતા પોલીસને જોઇ ભાગી જનાર ઝહીર સેવવાલા અને સુફીયાન પૈકી ઝહીરે તાપી નદીના પાળા પર દબાણ કરી પતરાના શેડમાં ગેરકાયદે કતલખાનું ચલાવતો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ઝહીર સેવવાલા અને સુફીયાનને વોન્ટેડ જાહેર કર્યા હતા. જયારે કતલખાનામાંથી પોલીસે ગૌમાંશ ભરેલા પ્લાસ્ટિકના બે બેરેલ, પ્લાસ્ટિકની થેલીમાં ગાયના કાપેલા પગ અને રૂમમાં વેરવિખેર પડેલા પગ જોઇ પોલીસ દંગ રહી ગઇ હતી. પોલીસે 1500 કિલોગ્રામ ગૌમાંશ કિંમત રૂ. 1.50 લાખ, 4 નંગ કુહાડી, ત્રણ નાના છરા અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,50,550 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ચોકબજાર પોલીસે પખવાડીયા અગાઉ ભરીમાતા રોડ સ્થિત શાબરી નગરમાં અલ્તાફ પૂંઠાવાલા દ્વારા ગેરકાયદે ધમધમતા કતલખાના પર દરોડા પાડયા હતા. અલ્તાફે પોતાના મકાનના ભોંયતળિયે બનાવેલા રૂમમાં કતલખાનું ચલાવતો હતો અને પોલીસે ત્યાંથી 1050 કિલોગ્રામ ગૌમાંશ, 7 કુહાડી અને 13 નાના-મોટા છરા કબ્જે લીધા હતા.