ગાંધીનગર કોર્પોરેશનની ગુરુવારે સામાન્ય સભા : શહેરની નવી પાર્કિંગ પોલીસીની દરખાસ્ત પર થશે ચર્ચા
ગાંધીનગર :
ગાંધીનગર કોર્પોરેશનની આવતા ગુરુવારે સામાન્ય સભા મળનારી છે. જે સામાન્ય સભામાં શહેરની નવી પાર્કિંગ પોલીસીની દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે. તેની સાથે નવા વિસ્તારમાં પાણી અને ગટર કનેકશન આપવા માટેની નવી નીતિ અંગે પણ નિર્ણય થશે. આ ઉપરાંત રખડતા ઢોર પકડાય તો માલિકો પાસેથી દંડ વધારાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવશે. રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાર્કિગનો પ્રશ્ન ઉઠ્યો છે. સરકારી કચેરીઓ ઉપરાંત કોમર્શીયલ બિલ્ડીંગોની આસપાસ જાહેર જનતા દ્વારા પોતાના વાહનોનુ આડેધડ પાર્કિંગ કરવાના કારણે શહેરમા ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરમાં નવી પાર્કિંગ પોલીસી લાગુ કરવામાં આવનાર છે. જોકે આ દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજૂરી આપી દીધા બાદ તેને આગામી ગુરુવારે મળનારી સામાન્ય સભામાં મંજૂરી અર્થે મૂકવામાં આવી છે. જેથી આ દરખાસ્ત ઉપર વિગતવાર ચર્ચા થશે તેવું પણ લાગી રહ્યું છે. બીજી બાજુ ગાંધીનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે પકડાયેલા રખડતા ઢોરોના માલિકો પાસેથી દંડ વધારાની દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજૂર કરી હતી. જેને હવે મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલવામાં આવી છે. આ જ પ્રકારે કોર્પોરેશનમાં ભળેલા નવા વિસ્તારમાં પાણી અને ગટર કનેક્શન આપવા માટે નવી નીતિ અંગે પણ આ સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવશે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ટીપી સ્કીમને પણ આ બેઠકમાં મંજૂરી આપવામાં આવનાર છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કામદારોને હાઈકોર્ટના ચુકાદા અંતર્ગત મહેનતાણુ કરવા માટે પણ નિર્ણય લેવામાં આવનાર છે. જોકે ગાંધીનગરના વિવિધ પ્રશ્નોને લઈને વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવશે તેમ પણ જાણવા મળી રહ્યું છે.