ગુજરાત

સુરત : અડાજણની રામાનંદાચાર્ય સંસ્કાર સરિતા વિદ્યાલયની માન્યતા પ્રા. શિ. નિયામક દ્વારા રદ્દ કરાઇ

સુરત :

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ ભુમિ કોમ્પ્લેક્ષ નજીક આવેલી શ્રી રામાનંદાચાર્ય સંસ્કાર સરિતા વિદ્યાલયના સંચાલકો દ્વારા શાળાના મકાનનો ભાડા કરાર, રમત ગમતના મેદાનની સુવિધાનો અભાવ તથા સંચાલક મંડળના ઠરાવ અને બેન્ક એકાઉન્ટની માહિતીમાં ગેરરીતીને પગલે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઇ. જોષી દ્વારા વર્ષ 2021-22 ના શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયે એટલે કે આગામી તા. 31 મે 2022 ના રોજથી રદ્દ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા હુકમમાં જણાવવામાં આવ્યું છે કે સંસ્કાર સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત સંચાલિત સંસ્કાર સરિતા બાળભવન ધો. 1 થી 5 અને શ્રી રામાનંદાચાર્ય સંસ્કાર સરિતા વિદ્યાલય ધો. 6 થી 8 ની ખાનગી શાળાના સંચાલકો દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન 2012 ઇન રૂલ્સ 14 હેઠળ માન્યતા આપવામાં આવી હતી. પરંતુ માન્યતા અંગેની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. ઉપરાંત શાળાના મકાનનો ભાડા કરાર રદ્દ કરવામાં આવ્યો હોવા છતા નવો ભાડા કરાર રજૂ કરવામાં આવ્યો નથી, શાળા પાસે રમત ગમતના મેદાનની સુવિધાનો અભાવ, પી.ટી.આરની અદ્યતન નકલ રજૂ કરવામાં આવી નથી, સંચાલક મંડળના ઠરાવ બુક અને બેંક એકાઉન્ટની માહિતીના આધારો બોગસ રજૂ કર્યા હતા. જયારે મહત્વની બાબત એ છે કે સંચાલક મંડળના પ્રમુખ માટે ચાલી રહેલા વિવાદ અંતર્ગત પરેશ હિંમ્મત પટેલે શાળા બંધ કરવાનું લેખિતમાં જણાવ્યું હતું. જયારે ટ્રસ્ટી હર્ષદ નાનુ લશ્કરીએ ટ્રસ્ટમાં ફેરફાર અંગેનો ઠરાવ પણ રજૂ કરી શકયા ન હતા.

સંસ્કાર સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલકો વિરૂધ્ધ કયા-કયા આક્ષેપો કરવામાં આવ્યા હતા ?

– મકાનનો ભાડાકરાર તા. 28 નવેમ્બર 2016 ના રોજ પુરો થઇ ગયો હોવા છતા નવો ભાડા કરાર રજૂ કર્યો ન હતો

– ધો.6થી 8ની પરવાનગી મળ્યા બાદ ત્રણ વર્ષે સરકારમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાના નિયમનું ઉલ્લંઘન

– શાળા મંડળના પ્રમુખ કે મંત્રીની પૂર્વમંજૂરી વગર વહીવટી સ્ટાફની ભરતી કરી નાણાંકીય ગેરવહીવટ કર્યાનો આક્ષેપ

– શાળા ભવનના પ્લાન પણ સક્ષમ સત્તામંડળ પાસે મંજૂર કરાવ્યા નથી

– ટ્રસ્ટનો બે વર્ષથી ઇન્કમટેક્સ ભર્યો ન હતો અને ઓડિટ પણ કરાવ્યું ન હતું

શાળાના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશની જવાબદારી ડીઇઓને સોંપાઇ

માન્યતા રદ્દ કરવામાં આવતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રઝળે નહીં તે માટે આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાવવાની, શાળાના જરૂરી અસલ દસ્તાવેજનો રેકોર્ડ નજીકની શાળામાં સોંપવા સહિતની વહીવટી પ્રકારની તમામ કામગીરીની જવાબદારી સુરત જિલ્લા શિક્ષણાધિકારીને સોંપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x