ગાંધીનગરમાં વધુ એક અધિકારીએ લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપ્યો
ગાંધીનગર :
ગાંધીનગરના સેકટર -6માં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કંપની સંચાલિત પેટ્રોલ પંપ આવેલો છે. અહીં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા 29 કર્મચારીઓ પૈકી પાંચ મહિલા કર્મચારીઓ પણ નોકરી કરે છે. જ્યારે HPCL કંપનીના ઉક્ત પંપ ઉપર કંપની મેનેજમેન્ટ ઓપરેટેડ ઓફિસર તરીકે મુલચંદ પરસારામ ધોલપુરીયા પણ ફરજ બજાવે છે. થોડા વખત અગાઉ અહીં કામ કરતાં કર્મચારીના પગાર વધારવામાં આવેલા છે. સિનીયર કોમકો ઓફિસર મુલચંદ ધોલપુરીયાએ 29 કર્મચારીઓ પૈકી મહિલાઓને બાકાત રાખી અન્ય 24 કર્મચારીઓને હેરાન નહી કરવાના, નોકરી માંથી છુટા નહી કરી નવા કર્મચારીઓ નહી રાખવા તથા આ કર્મચારીઓનો પગાર વધેલ હોય કર્મચારી દીઠ રૂ.4500/- થી 5000 લેખે રાઉન્ડ ફીગર રૂ.1,10,000 ની લાંચની માંગણી સુપરવાઇઝર પાસે કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી એનકેન પ્રકારે હેરાન પરેશાન કરતા મૂલચંદ દ્વારા આટલી મોટી રકમની લાંચ માંગવામાં આવતા સુપરવાઇઝરે એસીબીમાં ફરિયાદ આપી હતી.
આથી ગાંધીનગર એસીબી પોલીસ મથકના પીઆઈ એસ.ડી. ચૌધરીએ પોતાની ટીમ સાથે જરૂરી પંચોને સાથે રાખી લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં આજે HP કંપનીનો ઓફિસર મુલચંદ પરસારામ ધોલપુરીયાને તેની ચેમ્બરમાં 1.10 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અહીં કંપનીના પેટ્રોલ પમ્પ ઉપર ફીલરોનું નોકરીની અવેજીમાં આર્થિક શોષણ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. જે બાબતે કંપનીના ઉચ્ચ અધિકારીઓ સુધી રજુઆત કરવાં છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું.