ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના આયુર્વેદ ચિકિત્સાલયમાં સગર્ભા બહેનોના સ્વાસ્થ્ય માટે કરાયો વૈદિક યજ્ઞ
ગાંધીનગર:
તેજસ્વી સંતાનના જન્મ થકી તેજસ્વી ભારતના નિર્માણ માટે કાર્યરત્ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં સગર્ભા બહેનોના સ્વાસ્થ્ય માટે ૧૯મી મેને ગુરુવારના રોજ વૈદિક યજ્ઞ કરવામાં આવ્યો. ‘સગર્ભા બહેનોને ગર્ભસંસ્કાર આપવાની સાથે તેઓનું સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેવું જોઈએ, તો જ તેજસ્વી અને તંદુરસ્ત સંતાનનો જન્મ થશે’ – યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહે આપેલી આ પ્રેરણાને અનુસરીને તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના અશ્વિની આયુર્વેદ ચિકિત્સાલય ખાતે આયોજિત આ ગાયત્રી યજ્ઞમાં, યુનિવર્સિટીમાં ગર્ભસંસ્કાર માટે આવતી સગર્ભા બહેનો જોડાઈ. ગાયત્રી પરિવારના તૃપ્તિબહેન પટેલે યજ્ઞની વિધિ ઑનલાઈન કરાવી. જેને અનુસરતાં બધી બહેનોએ શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ યજ્ઞ કર્યો. યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિના માર્ગદર્શનમાં, તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રના વડા ડૉ. રાકેશ પટેલની રાહબરીમાં આ યજ્ઞ સંપન્ન થયો. યજ્ઞના સંયોજક તરીકે તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રના પરામર્શક રાજશ્રીબહેન પટેલે ભૂમિકા ભજવી. યજ્ઞ પૂર્વે ચિકિત્સાલયના ડૉ. વૃંદન જયસ્વાલે સગર્ભા બહેનોને યજ્ઞનું વૈજ્ઞાનિક મહત્ત્વ સમજાવ્યું. તેમણે કહ્યું કે, ગર્ભાવસ્થામાં યજ્ઞ કરવો સ્વાસ્થ્ય માટે ઉત્તમ રહે છે, સાથે તેનાથી વાત-પિત્ત-કફ જેવા દોષો સપ્રમાણમાં રહે છે. નોંધનીય છે કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં સગર્ભા બહેનોને ગર્ભસંસ્કારની સાથે વૈદ્યકીય માર્ગદર્શન અને ઔષધ મળી રહે તે માટે અશ્વિની આયુર્વેદ ચિકિત્સાલય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બહેનોને ગર્ભાવસ્થામાં શું કાળજી રાખવી, કેવો ખોરાક લેવો, જરૂર પડ્યે ક્યા ઔષધ લેવા તેનું માર્ગદર્શન ડૉ. વૃંદન જયસ્વાલ દ્વારા અપાય છે, તેમજ જે નવવિવાહિત યુગલો સંતાનના જન્મનું આયોજન કરી રહ્યા છે, તેમને પણ તેજસ્વી સંતાનના જન્મ અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવે છે.