સે-8, 24, 27ના રંગમંચ અને સે-7ની લગ્નવાડીનું હવે 15000 ભાડું ચુક્કવું પડશે : અંકિત બારોટ
ગાંધીનગર :
સેક્ટર-8, 24 અને 27ના રંગમંચ તેમજ સેક્ટર-7માં આવેલી લગ્નવાડી હવે કોર્પોરેશન હસ્તક આવી ગઈ છે. જેથી હવે તમામનું બૂકિંગ પણ મહાનગરપાલિકા અંતર્ગત કરવામાં આવશે. રંગમંચોનું પાટનગર વિભાગ યોજના દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે. હવેથી રહીશોને સેક્ટર 8, 24, 27 નાં રંગમંચ અને સેક્ટર 7 ની લગ્નવાડી ભાડે મળી શકશે. બૂકિંગ માટે 15,000 ભાડુ, 10,000 ડિપોઝિટ તથા 50 રૂપિયા ફોર્મ ફીની અને 2000 રૂપિયા વહીવટી ચાર્જ ચુકવવાના રહેશે. જેને પગલે હવે નાગરિકોને મોંધાદાટ પાર્ટીપ્લોટના સ્થાને સસ્તા ભાડામાં રંગમંચ તથા લગ્નવાડીની સુવિધા મળશે.
આ અંગે કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટે કહ્યું હતું કે, પહેલાં માત્ર 200 રૂપિયામાં થતું બુકિંગ હવે 15000 હજારમાં થશે. ભાજપને ખોબલેને ખોબલે મત આપતી પ્રજાને ભાજપની રિટર્ન ગિફ્ટ છે. સે-24,27 મધ્યમ વર્ગીય અને શ્રમજીવી પરિવાર વસવાટ કરે છે. અમે અગાઉ માર્ગ મકાન વિભાગના મંત્રીને રજૂઆત કરી હતી. બંને સેક્ટરના રંગમંચનું રિનોવેશન પાટનગર યોજના વિભાગ એ જ કર્યું છે. જેમાં મનપાનું કોઈ યોગદાન નથી માટે હજુ 5 વર્ષ માટે આ બને રંગમંચનું સંચાલન પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગ નાં લોકો ને 200 રૂપિયાનાં નજીવા દરે બેસણું અને લગ્ન પ્રસંગ માટે જગ્યા મળે. સામન્ય માણસ નું મરણોત્તર વિધિનું બજેટ રૂપિયા 15000 હજાર જેટલું અંદાજિત હોય છે, પરંતુ હવે 15000 માત્ર રંગમંચનું ભાડું ચુક્કવું પડશે, જે તદન દુઃખદ બાબત છે.