ભારે બફરવર્ષાને કારણે કેદારનાથ યાત્રા બંધ: યાત્રિકો ફસાયા
સતત બે વર્ષનાં ગાળા દરમ્યાન કોરોના મહામારીને કારણે પવિત્ર યાત્રાધામોનાં દ્વાર બંધ રહ્યા હતા. ત્યારે આ વર્ષે ચારધામ યાત્રામાં જંગી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ એકદમ પ્રતિકુળ અને મુશ્કેલીરૂપ બની ગયું હોવાથી હજારો યાત્રાળુ પહાડી માર્ગો પર અટવાઈ પડ્યા છે. ભારે બરફવર્ષા શરૂ થઇ ગઈ હોવાથી કેદારનાથ યાત્રા બંધ કરવી પડી છે. યાત્રિકોને માર્ગમાં જ્યાં ત્યાં રોકાઈ રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. હાઈ-વે પર યાત્રાળુઓને મદદ કરવા માટે અને ભૂસ્ખલનથી બચાવવા માટે સેના, પોલીસ, એનડીઆરએફની ટુકડીઓ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે. કેદારનાથમાં પરિસ્થિતિ ભારે બરફવર્ષાને કારણે ખૂબ જ અસહ્ય બની ગઈ છે. તમામ પહાડી માર્ગો અને કેદારનાથ મંદિરની આસપાસ બરફનાં થર જામી જતા યાત્રાધામનાં દરવાજા બંધ કરવા પડ્યા છે અને યાત્રા અટકાવી દેવામાં આવી છે.
યુધ્ધનાં ધોરણે બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. પહાડી માર્ગો પર હજારો યાત્રિકો અટવાઈ પડ્યા છે. ચારધામ યાત્રામાં વિક્રમી સંખ્યામાં લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. જેના પરિણામે હરિદ્વારમાં તો દર્શન માટે વેઈટીંગની પરિસ્થિતિ ઉભી થઇ છે. પહાડી માર્ગો અને કેદારનાથ જતા મુખ્ય માર્ગ પર અનેક કિલોમીટર વિસ્તારમાં વાહનો જ વાહનો નજરે પડી રહ્યા છે.