ગાંધીનગર મનપામાં આચરાયું મોટું કૌભાંડ, વહીવટી અધિકારી સંજય શાહને સસ્પેન્ડ કરાયો
ગાંધીનગર :
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વર્ગ – 2 નાં વહીવટી (સંકલન) અધિકારી સંજય શાહ વર્ષોથી કોર્પોરેશનની સ્ટોર શાખાના હવાલો સંભળાતા હતા. જેથી મોટાભાગે કોર્પોરેશન નાની મોટી વસ્તુઓની ખરીદીનું કામકાજ સંજય શાહનાં હસ્તક રહેતું હતું. છેલ્લા ઘણા વર્ષોથી સંજય શાહ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કથિત આક્ષેપો થતાં રહ્યાં છે. પરંતુ જુની એકપણ બોડીનાં હોદ્દેદારો – કાઉન્સિલરોએ હરખ શુદ્ધા ઉચ્ચાર્યો નથી. બીજી તરફ હાલના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જશવંત પટેલને સંજય શાહનાં કૌભાંડોની ગંધ આવી ગઈ હતી. જેથી તેમણે પંદર દિવસથી સંજય શાહ દ્વારા પાસ કરવામાં આવેલા બીલોની ફાઈલો તેમજ ટેન્ડરીંગ બાબતેની ગુપ્ત તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ જ વહીવટી અધિકારી સંજય શાહે નાણાંકીય ગેરરીતિ આચરી કોર્પોરેશનની તિજોરીને મસમોટું આર્થિક નુકશાન કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. આથી સ્ટેન્ડીંગ ચેરમેન જશવંત પટેલ દ્વારા પુરાવા સાથે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ભ્રષ્ટાચારી સંજય શાહ સામે કડક પગલાં ભરવા સૂચન કરવામાં આવ્યું હતું. જેનાં ભાગરૂપે આજે કમિશ્નર ડો. ધવલ પટેલે તાત્કાલિક અસરથી વહીવટી અધિકારી સંજય શાહને સસ્પેન્ડ કરી દઈ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન જસવંત પટેલે જણાવ્યું હતું કે, સંજય શાહ સ્ટોર શાખાનો ઈન્ચાર્જ હતો. પંદરેક દિવસ અગાઉ મને સંજયનાં ભ્રષ્ટાચારની પાક્કી માહિતી મળી હતી. જેથી પંદર દિવસથી ટેન્ડરોની ફાઈલોથી માંડીને નાનામાં નાની તપાસ કરી હતી. આ તપાસમાં બહાર આવ્યું છે કે, Gem થકી કોર્પોરેશન દ્વારા ખરીદી કરવામાં આવે તેના આઈડી પાસવર્ડ સંજય શાહ પાસે રહેતા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ ઊંચી કિંમતના બીલો ચૂકવ્યાની સામે હલકી ગુણવત્તાની ચીજ વસ્તુઓની ખરીદી કરીને કટકી કરી લેવામાં આવી હોવાનું ફલિત થયું છે.
અત્યાર સુધીના જે ટેન્ડરો પાસ થયા છે એમાં પણ સંજય શાહની શંકાસ્પદ ભૂમિકા પ્રથમ દ્રષ્ટિએ જ દેખાય આવી છે. જેની તપાસ અંગે કમિશ્નરને પણ જાણ કરી છે. હાલમાં તો સંજય શાહને સસ્પેન્ડ કરવાનો કમિશનરે હુકમ કરી દીધો છે. આગળની તપાસનાં રિપોર્ટના આધારે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યારે કોર્પોરેશનના અંગત સૂત્રોએ ઉમેર્યું હતું કે, સંજય શાહ ગવર્મેન્ટ ઈ માર્કેટ (જેમ) માં ખરીદી કરતો અને એમાં દરેક વસ્તુઓમાં કમિશન રહેતું હતું.
મનપા તંત્રમાં પાણી, ફૂડ બિલ, ડાયરી ખરીદીમાં પણ મસ મોટું કૌભાંડ બહાર આવવાની સાથે મોટા માથાના નામ પણ ખુલે એમ છે. કોરોના કાળ સમયે ટેમ્પરેચર ગન, પલ્સ ઓક્સિમીટર, માસ્ક સહિતની માર્કેટ કરતા ઊંચા ભાવે ખરીદી કરવામાં આવી છે. જેની સાથે એક પૂર્વ આઉટ સોર્સનો કર્મચારી પણ સંડોવાયેલો છે. ભૂતકાળમાં અત્યાર સુધીમાં જેટલા ટેન્ડરોના બિલ ચૂકવ્યા, વસ્તુઓ ખરીદી સહીતની બાબતે ઊંડાણ પૂર્વક કમિશ્નર તપાસ કરે તો કરોડો રૂપિયા ચાંઉ થઈ ગયાનું બહાર આવવાની પૂરેપૂરી સંભાવના પણ અંગત સૂત્રોએ વ્યક્ત કરી છે. હાલમાં મનપામાં ચર્ચાઈ રહ્યું છે કે સંજય શાહે સવા કરોડ રોકડા આપીને વૈભવી બંગલો પણ ખરીદ્યો છે.