ગાંધીનગર જિલ્લામાં કોરોના વાયરસના ૬ પોઝિટિવ કેસ નોંધાયા
ગાંધીનગર જિલ્લામાં કોરોના વાયરસના નવા 6 કેસ નોંધાયા છે. રાજ્ય અને દેશમાં ફરી કોરાનાએ માથું ઉચક્યું છે. નવા નોંધાયેલા કોરોના વાયરસના 6 કેસમાં મનપા વિસ્તારમાંથી એક અને જિલ્લાના ચારેય તાલુકામાંથી એક જ દિવસમાં 5 નવા કેસ નોંધાયાની વિગતો સામે આવી છે. તમામ કોરોના સંક્રમિત દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખી સારવાર અપાઈ રહી છે.
નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલાં કોરોના વાયરસના કેસોમાં ઉછાળો આવ્યો છે. શાળા ખુલ્યા પહેલાં જ 2 વિદ્યાર્થીઓ સહિત 6 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જોકે કોરોનાની ત્રીજી લહેર બાદ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેમ નોંધાઇ રહેલા કોરોનાના કેસ પરથી લાગી રહ્યું છે.
જિલ્લાના ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલ એમ ચારેય તાલુકામાંથી એક જ દિવસમાં 5 કેસ ગત તારીખ 3જી, માર્ચ-2022ના રોજ નોંધાયા હતા. રવિવારે જિલ્લાના ચારેય તાલુકામાંથી કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા છે. તેમાં ચાર કેસ તો એક જ પરિવારના સભ્યો છે. જેઓ તાજેતરમાં જ ચેન્નાઇ જઇને પરત આવ્યા હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.
રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 140 નવા કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ રહી કે આ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે એક પણ મૃત્યુ ન થયું. 24 કલાક દરમિયાન 66 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ 778 એક્ટિવ કેસ છે, આ બધા દર્દીઓ હાલ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 10,945 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.