રાજ્ય અને અમદાવાદમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતા જનક ઉછાળો
ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. સતત વધતા કોરોના વાયરસના કેસોને લઈ લોકોમાં ફરી ચિંતા વ્યાપી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 140થી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયાની વિગતો સામે આવી છે. જોકે રાહતના સમાચાર એ છે કે ગતરોજ કરતા આજે કોરોનાના કેસો ઓછા નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. જેથી હવે અમદાવાદીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે અને વધતા કોરોનાના સંક્રમણ સામે સાવચેત થઇ જવુ જોઇએ.
રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા મુજબ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 140 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયું નથી અને 24 કલાક દરમિયાન 66 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. મળેલી જાણકારી અનુસાર રાજ્યમાં હાલ કુલ 778 કોરોના વાયરસના એક્ટિવ કેસ છે, આ બધા દર્દીઓ હાલ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 10,945 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.
રાજ્યની વિગતવાર વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 79 જ્યારે ગ્રામ્યમાં 2 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં પણ કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વડોદરા કોર્પોરેશનમાં 21 નવા કેસ નોંધાયા છે. સુરતમાં 11, ગાંઘીનગર 6, મહેસાણામાં 4 પોઝિટિવ કેસો નોંધાયા હતા.