રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી ધરતીપુત્રોમાં આનંદો
ગુજરાત રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ ગઈ છે. રવિવારે સાંજે રાજ્યમાં ગાંધીનગર જિલ્લાની સાથે સાથે તમામ જિલ્લાના તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિતના 27 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના ગાંધીનગર સહિત જિલ્લાઓમાં વરસાદ નોંધાયાની માહિતી મળી છે. કડાકા-ભડાકા સાથે રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ભારે પવન અને વરસાદથી લોકો ઘરમાં પુરાયા હતા પણ સાથે સાથે વરસાદ પડતાની સાથે જ ભારે બફારા અને ગરમીમાંથી રાહત મળી હતી અને ચારેકોર ઠંડક પ્રસરી હતી, વાતાવરણ ખુશનુમા બન્યું હતું. ભારે પવન અને વરસાદથી ખેડૂતોમાં પણ ક્યાંક ચિંતા તો ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લીલા ઘાસ અને અન્યનો કાપણીનો સમય પણ હોવાથી વરસાદથી લીલો ઘાસચારો બગાડવાની ચિંતા ધરતીપુત્રોમાં જોવા મળી હતી.
હવામાન વિભાગ દ્વારા હજુ ચાર દિવસમાં વરસાદની આગાહી આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સ્ટેટ ડિઝાસ્ટરના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વરસાદ બાબતે રાજ્ય સરકારની તૈયારીઓ બાબતે પણ ચર્ચા કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારએ પણ એરફોર્સ નેવી અને આર્મીનાના અધિકારીઓ સહિત મહત્વના તમામ વિભાગો સાથે પ્રિમોન્સુન કામગીરી બાબતે પણ સમીક્ષા કરી હતી. જિલ્લામાં સમયસર મેઘ મહેર થતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.