રાજ્યમાં કિશોરો માટે શરૂ કરાશે નવી રસીકરણ ડ્રાઈવ, માસ્ક અને સામાજિક અંતર ફરજીયાત
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોમાં એકાએક ઉછાળો આવ્યો છે. વધી રહેલા કોરોનાના કેસને લઈને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યો છે. ત્યારે દેશમાં ફરીથી કોરોનાનો આંક ચિંતાજનક ન થાય તે માટે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા આજે સોમવારે દેશના તમામ રાજ્યના આરોગ્ય પ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં કોરોનાના વધતા કેસ, અંધત્વ નિવારણ, ટીબીના કેસ બાબતે વિસ્તુત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સરકારે વધતા કોરોનાના કેસની સમીક્ષા કરી હતી. જ્યારે આજથી જ ગુજરાત રાજ્યની તમામ સ્કૂલોમાં નવા સત્રનું ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. આ સ્થિતિને લઈને રાજ્ય સરકારે પણ આજે કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં કોરોના વાયરસને ગંભીરતાથી લઇ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં.
રાજયના આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલ એ જણાવ્યું કે રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ સમયે જ વેક્સિનેશન ડ્રાઈવ કરી વેક્સિન લેવા પાત્ર તમામ કિશોરોનું ડબલ ડોઝ વેક્સિનેશન થઈ જાય તે નિશ્ર્ચિત કરાશે. કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારે ફરીવાર માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. સતત વધી રહેલું સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. સામાન્ય રીતે કેબિનેટની બેઠક દર બુધવારે મળતી હોય છે. પરંતુ 18મી એ વડાપ્રધાન ગુજરાત આવતાં હોવાથી તેમના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી.
રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જે રીતે કોરોનાના કેસોમાં સતત ઉછાળો થઇ રહ્યો છે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર તમામ પ્રકારના પગલાં લઈ રહી છે. જ્યારે હજી પણ સમગ્ર રાજ્યમાં કોરોનાની ગાઈડલાઈન્સ યથાવત્ છે. જ્યારે કોઈ પણ પ્રકારની ઢીલ આપવામાં આવી નથી, જેથી તમામ વ્યક્તિઓએ ફરજિયાત માસ્ક અને સામાજિક અંતર રાખવું જરૂરી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં કોરોનાના કેસને કાબૂમાં લેવા માટે તમામ જિલ્લાઓમાં રસીકરણની ડ્રાઈવ ફરીથી શરૂ કરવામાં આવશે અને જે લોકો બાકી રહી ગયા છે. તે તમામ નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવશે.