માધવગઢમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ઘરમાં ઘુસ્યા પાણી
ગત રવિવારના રોજ ગાંધીનગર જિલ્લા અને તાલુકાના માધવગઢ ગામમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. અને તેના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. માધવગઢ ગામમાં ગટર લાઇન નાંખ્યા બાદ યોગ્ય રીતે માટી પુરાણ ન કરાતા રવિવારે પડેલા વરસાદથી માધવગઢમાં કેટલાક ઘરમાં પાણી ભરાઇ ગયા હતા. આથી ઘરમાં મુકેલા સાગર દાણ, બાજરી, ઘઉં અને જુવાર સહિતને નુકશાન થતાં પરિવારને આર્થિક ફટકો પડ્યો છે. અને ઘર માલિકો આવી મોંઘવારીમાં મુશ્કેલીમાં મુકાયા હતા.
જિલ્લામાં ચોમાસાની તુફાની એન્ટ્રી થઇ ચુકી છે છતાં ગાંધીનગર હજુ કોરૂ ધાકોર રહ્યું છે. પરંતુ માધવગઢ, છાલા તેમજ કાનપુર સહિતના પંથકમાં ગત રવિવારે સાંજના સમયે કડાકા-ભડાકા સાથે પડેલા ધમાકેદાર વરસાદથી ખેડુતોની ચિંતા હળવી કરી નાંખી હતી. પરંતુ માધવગઢ ગામમાં એક પરિવારને આર્થિક માર સહન કરવો પડ્યો છે. જયારે કેટલાક ધરતીપુત્રોનું લીલું ઘાસ પલળ્યું હતું.
રવિવારે પડેલા વરસાદના કારણે વરસાદી પાણી ગામના વ્યક્તિના ઘરમાં ભરાયું હતું. જેને કારણે ઘરમાં રાખેલા ઘઉં, જુવાર, બાજરી અને ભેંસો અને ગયો માટે રાખેલ સાગર દાણ સહિતનું પલળી ગયું હતું. આથી પરિવારને આર્થિક ફટકો પડતા તેઓએ વળતરની માંગણી સાથે તલાટીને રજૂઆત પણ કરી હોવાનું સામે આવ્યું છે.