જિલ્લામાં વરસાદની તુફાની બેટિંગ, માણસમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ
ગુજરાત રાજ્ય અને ગાંધીનગર જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જિલ્લાના માણસામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. મળેલી જાણકારી અનુસાર માણસામાં માત્ર એક કલાકમાં અઢી ઇંચ વરસાદ પડતા લોકોને ગરમી અને બફારામાંથી છુટકારો મળ્યો હતો અને ચારેકોર ઠંડક પ્રસરી હતી. ગત રવિવારે સાંજે તાલુકાના માધવગઢ, છાલા- કાનપુર સહિતના વિસ્તારમાં મુછળધાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા. જ્યારે વીજળી પડવાથી ત્રણ પશુઓના મોત નિપજ્યાના સમાચાર પણ મળ્યા છે.
ગત શનિવારે કલોલમાં વરસાદ પડ્યા બાદ રવિવારે ગાંધીનગર તાલુકાના માધવગઢ, કાનપુર અને છાલા સહિતના ગામોમાં સાંજના સમયે વરસાદનું જોરદાર ઝાપટું પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા. આથી વરસાદના જોરદાર આગમનથી ખરીફ ઋતુ સારી રહેવાની આશા ખેડૂતોમાં જોવા મળી રહી છે. અને સમયસર વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
સોમવારે બપોરે વરસાદે માણસામાં તુફાની બેટિંગ કરી હતી. માત્ર એક જ કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની વિગતો મળી રહી છે. જેના કારણે લોકોને ભારે ગરમી અને બફારાથી રાહત મળી હતી. અને ચારેકોર ઠંડુ અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું.