ગાંધીનગર જિલ્લામાં કોરોના વાયરસના 6 કેસ પોઝિટિવ નોંધાયા, લોકોમાં ચિંતા
ગુજરાત રાજ્યમાં આજે કોરોના વાયરસના 244 કેસ નોંધાયા છે. જયારે રાજ્યના પાટનગર એવા જિલ્લામાં કોરોના વાયરસ આજે નવા 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમાં વિદ્યાર્થી સહિત લોકો કોરોનામાં સપડાયા છે. જોકે તમામ સંક્રમિત વ્યક્તિઓનો કોઇ જ ટ્રાવેલ હિસ્ટ્રી નહી હોવાથી કોરોનાનું સંક્રમણ હવે જિલ્લામાં જોવા મળી રહ્યું છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાંથી પાંચ દર્દીઓ સાજા થયા છે.
મહાનગર પાલિકાના આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર નગરમાં એક 15 વર્ષીય વિદ્યાર્થી, 47 વર્ષીય યુવાન અને 56 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત થયેલા ત્રણેય દર્દીઓએ હોમ આઇસોલેશનમાં સારવાર લેવાની પસંદ કરી છે. જિલ્લા આરોગ્ય તંત્રના અનુસાર માણસા અને ગાંધીનગર તાલુકામાંથી ત્રણ કેસ નોંધાયા છે. જેમાં 38 વર્ષીય યુવાન, 46 વર્ષીય યુવાન અને 36 વર્ષીય યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગ્રામ્યના ત્રણેય સંક્રમિત દર્દીઓને હોમ આઇસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે કોરોનાથી સંક્રમિત 5 દર્દીઓ સાજા થયા હોવાની માહિતી મળી રહી છે.
રાજ્યમાં અત્યાર સુધીની વાત કરીએ તો કુલ 12,15,323 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા છે. કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.00 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં આજે કોરોના વિરોધી રસીના કુલ 10,937 ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,323 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.