ગાંધીનગરમાં ભાગ્યેશ જહાના પુસ્તક “પ્રાર્થનાને પત્રો”નું વિમોચન અને પદ્મશ્રી ડૉ. સુધીર પરીખનો સન્માન સમારોહ યોજાયો
ગ્લોબલ ગુજરાત ફોરમ ચેપ્ટર, USA ગુજરાત ફ્રેન્ડ્સ અમદાવાદ દ્વારા 23 જૂનને ગુરુવારે સાંજે ગાંધીનગર નારાયણી હાઈટ્સ બેન્કવેટ હોલ ખાતે ગુરુવારે સાંજે ભાગ્યેશ જહાના પુસ્તક “પ્રાર્થનાને પત્રો”નું વિમોચન અને પદ્મશ્રી ડૉ. સુધીર પરીખ (USA) નો સન્માન સમારોહ ગાંધીનગર નારાયણી હાઈટ્સ બેન્કવેટ હોલ ખાતે યોજાયો હતો. પદ્મ ડૉ. સુધીર પરીખનું સન્માન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર શ્રી જેઠાભાઈ ભરવાડ અને અમદાવાદ મિરર અને નવગુજરાત સમયના તંત્રી અજયભાઈ ઉમટ ઉપસ્થિત રહ્યા હતા. સૌ મહેમાનોનું શાલ ઓઢાડી સ્વાગત શ્રી દિગંત સોમપુરા દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉ. સુધીર પરીખની સફળતાની યાત્રાની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. ડૉ. સુધીર પરીખે અમેરિકા ખાતે નિષ્ણાત ડોક્ટરની સાથે સમાજસેવાની સુગંધ ફેલાવી છે. તેઓ ત્યાં ગુજરાત ટાઈમ્સ અખબાર ચલાવી ગુજરાતી ભાષાની સેવા કરી રહ્યા છે.
આ પ્રસંગે કવિ, લેખક, વક્તા અને નિવૃત્ત આઈએએસ અધિકારી શ્રી ભાગ્યેશ જહાના પુસ્તક “પ્રાર્થનાને પત્રો”નું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના જહાએ પુસ્તક વિશે એની લાગણીઓ વ્યક્ત કરી હતી. “પ્રાર્થનાને પત્રો” પુસ્તક વિશે શ્રી અજયભાઈ ઉમટ દ્વારા વાત કરવામાં આવી. એમણે કહ્યું કે, “આજે હવે જ્યારે પત્ર લેખન લગભગ બંધ થઈ ગયું છે ત્યારે ભાગ્યેશ જહાએ અમેરિકા રહેતી દીકરીને નિયમિત પત્રો અને એ પણ વૈવિધ્યસભર લખીને સાહિત્યની સેવા કરી છે. પપ્પાએ પત્રો લખ્યા છે તો પ્રાર્થના હવે અમેરિકાની ડાયરી લખે.”
આ પ્રસંગે ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાતે કવિ શ્રી ભાગ્યેશ જહાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ભાગ્યેશ જહાએ એમની આગવી શૈલીમાં પુસ્તક અને પત્રોની વાત કરી હતી.
ગુજરાતી ભાષાના સંવર્ધન માટે વિવિધ વિષયો સાથે પ્રાર્થનાને પત્રો પુસ્તકની હવે સિરિઝ થશે એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ પુસ્તક ઝેડકેડ પબ્લિકેશનના મનીષ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફીલિંગ્સ મેગૅઝિનના તંત્રી શ્રી અતુલભાઈ શાહ, ગાંધીનગર સમાચારના તંત્રી શ્રી કૃષ્ણકાન્તભાઈ જહા, વરિષ્ઠ સાહિત્યકાર રજનીકુમાર પંડયા, ડો. બળવંત જાની, ડો. કેશુભાઈ દેસાઈ, વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલ, ગાંધીનગર સાહિત્યસભાના સંજય થોરાત, રમેશ ઠક્કર, પ્રતાપસિંહ ડાભી, કવિ કિશોર જિકાદરા, નેહલ ગઢવી, મનોજ શુક્લ હાજર હતા. ફિલ્મ કલાકાર જીતેન્દ્ર ઠક્કર અને પ્રકાશ જાડાવાલા પણ હાજર રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દિગંત સોમપુરા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન રશ્મિ મુનશી દ્વારા કરવામાં આવ્યું હતું. એક તરફ ભારતનું ગૌરવ એવા ડો. સુધીર પરીખનું સન્માન અને બીજી બાજુ ગુજરાતી ભાષા માટે સજ્જ એવા ભાગ્યેશ જહાના પુસ્તકનું વિમોચન એવા બે પ્રસંગો સાહિત્યકાર અને સમાજશ્રેષ્ઠીઓ વચ્ચે દમામભેર આયોજિત કરવામાં આવ્યો. પુસ્તક વિમોચનનો આવો કાર્યક્રમ સૌએ મનભરીને માણ્યો હતો.