ઉવરસાદથી વાવોલ સુધીનો રોડ બનાવવા માટે જમીન સંપાદન કરવામાં આવશે
ગાંધીનગરને ગ્રામ્ય વિસ્તારો સાથે સીધું રોડ કનેક્શન આપવાની કવાયતમાં ઉવરસાદથી વાવોલ ગામ સુધી નવો રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જમીન સંપાદન કરવી જરૂરી બની છે. આખરે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા રસ્તા માટે ઉવરસાદ ગામ વિસ્તારની સર્વે નંબર 7માં જમીન સંપાદન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ નવા રોડ બનાવવા માટે 3 સર્વે નંબરોમાંથી જમીન સંપાદન કરવાનો નિર્ણય લેવાયો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સમય મર્યાદા સમાપ્ત થયા પછી કોઈ રજૂઆતો સાંભળવામાં આવશે નહીં. જો કે આ પ્રક્રિયા દરમિયાન પણ જો કોઈ સરકારી કર્મચારી અથવા સર્વેયર રસ્તાની કામગીરીના સંદર્ભમાં જમીનમાં પ્રવેશ કરે તો રસ ધરાવતા વ્યક્તિઓને રોકી શકાશે નહીં. આ ઉપરાંત જો ત્યાં સર્વે કરવામાં આવે તો તેને અટકાવવામાં નહીં આવે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સંપાદન હેઠળની જમીનનો વિસ્તાર ખૂબ જ નાનો છે, રસ્તાના નિર્માણ માટે કુલ 0.5 હેક્ટર જમીનની જરૂર છે અને આવી જમીન 6 અલગ-અલગ સર્વે નંબરોમાં આવેલી છે. વધુમાં જણાવાયું છે કે અધિનિયમની જોગવાઈઓ મુજબ જમીન સંપાદન સંદર્ભે જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ સંબંધિત જમીન અથવા તેનો કોઈ ભાગ કલેકટરની પરવાનગી વિના કોઈપણ સ્વરૂપે વેચી કે ભાડે આપી શકાશે નહીં. વધુમાં, જમીન ગીરો રાખી શકાતી નથી અને નામ બદલી શકાતું નથી અથવા નોંધણી બદલી શકાતી નથી.