જિલ્લામાં સેવાસેતુના 7 કાર્યક્રમોમાં 14,046 અરજીઓનો નિકાલ
નવી 2 સુવિધા ચૂંટણી કાર્ડ અપગ્રેડ અને ઈ-લેબર કાર્ડની સુવિધા શરૂ કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લામાં ચાર તાલુકા, બે નગરપાલિકા અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ચાર તાલુકામાં 10,632 અરજદારોની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ દહેગામ-કલોલ નગરપાલિકા અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 3423 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામ, દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામ, કલોલ તાલુકાના રામનગર ગામ અને માણસા તાલુકાના શોભાસણા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગર તાલુકામાં 3620 અરજીઓ, દહેગામ તાલુકામાં 1880 અરજીઓ, કલોલ તાલુકામાં 2765 અરજીઓ અને માણસા તાલુકામાં 2367 અરજીઓ મળી હતી. કુલ 10,632 અરજીઓ મળી હતી અને તે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે.
બીજી તરફ દહેગામ નગરપાલિકા વિસ્તારમાં 938 અને કલોલ નગરપાલિકા વિસ્તારમાં 1022 અરજીઓ આવી હતી. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.9 ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેવા સેતુ ખાતે મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, ચેરમેન જસવંત ભાઈ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરીની ચકાસણી કરી હતી.
અંદાજિત 4800 લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વિવિધ વિભાગોને લગતી 1463 અરજીઓ કરી હતી. તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. સેવા સેતુ કાર્યક્રમ સમયે ચૂંટણી કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડમાં બે નવી સુવિધાઓ અપગ્રેડ કરવામાં આવી હતી.