ગાંધીનગરના SEOC ખાતે 6 જિલ્લામાં થયેલા ભારે વરસાદની સ્થિતિની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા
ભારે વરસાદ વાળા વિસ્તારોના પ્રવાસ બાદ મુખ્યપ્રધાન દ્વારા તાત્કાલિક બેઠક યોજવામાં આવી હતી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. આગાહીને લઈ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ખાસ કરીને મધ્યગુજરાતમાં આજે તોફાની વરસાદ બાદ મુખ્યમંત્રીએ વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. પ્રવાસ બાદ સીધા ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચી ગયા હતા. મુખ્યપ્રધાને ખાસ કરીને 6 જિલ્લામાં થયેલા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીના મુખ્ય સચિવ પંકજકુમાર, મહેસુલ વિભાગના અધિક સચિવ કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવા, રાહત કમિશનર પી સ્વરૂપ અને વરિષ્ઠ અધિકારીઓ આ તાકીદની બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ આ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેકટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી સ્થિતીનો તાગ મેળવ્યો હતો. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી પટેલે દક્ષિણ અને મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા સંબંધિત જિલ્લાના કલેકટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOCથી કરીને સ્થિતિનો સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ જિલ્લાઓમાં નીચાણ વાળા વિસ્તારમાં તથા કાચા મકાનમાં રહેલા લોકોના સલામત સ્થળાંતર અને તેમની ભોજન-આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તેમણે સૂચનાઓ આપી હતી.
ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી રાજ્યના છ જિલ્લામાં થયેલા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી. જિલ્લા કલેક્ટરશ્રીઓને નીચાણવાળા સ્થળોએ રહેલા લોકોના સલામત સ્થળાંતર, તેમના ભોજન અને આરોગ્યની વ્યવસ્થા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે જરૂરી સૂચનાઓ આપી. રાજ્યમાં NDRF ની 13 ટીમ અને SDRF ની 16 પ્લાટુન હાલ તૈનાત કરવામાં આવી છે. છોટા ઉદેપુરમાં વડોદરાથી એસડીઆરએફની 1 પ્લાટુન મદદ માટે રવાના કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ વ્યાપક વરસાદથી અસરગ્રસ્ત એવા ૬ જિલ્લાના કલેક્ટરોને તેમના જિલ્લાના જળાશયોમાં પાણીનો આવરો, દરિયામાં ભરતીને કારણે નદીઓમાં આવતું પાણી ગામોમાં ઘૂસી આવે તો તેની સામેની સાવચેતી, પશુઓની સલામતી વગેરે અંગે માહિતી મેળવીને સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું.