અમદાવાદમાં નકલી પોલીસે છરી બતાવી મહિલા પાસેથી 1 લાખથી વધુની લૂંટ ચલાવી
આજકાલ ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે. આવો જ એક કેસ સામે આવ્યો છે. જુહાપુરામાં નુરી મસ્જિદ રોડ પર નસેમન સોસાયટીમાં મહિલાને છરી બતાવી શખ્સે રૂ.1.36 લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. બુધવારે બપોરે બનેલી ઘટના અંગે વેજલપુર પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મહિલા ઘર બહાર ગેટ પાસે ઉભી હતી. તે સમયે ત્યાં આવેલા શખ્સે પોલીસ તરીકે પોતાની ઓળખ આપી જણાવ્યું કે, તમારા પતિનો અકસ્માત થયો છે.
આથી મહિલા ઘર તરફ જતા આરોપીએ તેની પાછળ ઘરમાં ઘુસી મહિલાને છરી બતાવી ધમકી આપી હતી. જુહાપુરાની નસેમન સોસાયટીમાં રહેતી સહેનાજબાનુ અનવરભાઈ કુરેશી (ઉં,50)એ બ્લુ શર્ટ અને બ્લુ જીન્સમાં પહેરેલ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ કરી છે.
જે મુજબ સહેનાજબાનુ બુધવારે બપોરે બે વાગ્યે સોસાયટીમાં ઘરના ગેટ પાસસે ઉભા હતા. તે સમયે આવેલા આરોપીએ પોલીસની ઓળખ આપી પતિના અકસ્માતના ખોટા સમાચાર આપ્યા હતા. જેના પગલે તેઓ અન્ય સગાને અને પુત્રને જાણ કરવાના ઈરાદાથી ઘરમાં ફોન લેવા ગયા હતા.
તે દરમિયાન આરોપી પણ તેઓની પાછળ પાછળ ઘરમાં ઘુસી ગયો અને સહેનાજબાનુને છરી બતાવી જે કઈ હોય તે આપી દેવા ધમકી આપી હતી. આથી, ડરેલી મહિલાએ જીવ બચાવવા માટે ઘરમાં પડેલા દાગીનાના બોકસ કાઢતા આરોપી દાગીના લઈ ફરાર થઇ ગયો હતો.