રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: વૃદ્ધો માટેની શ્રવણ તીર્થ યોજના હેઠળ વડિલોને ચુકવાશે 75 ટકા સુધી સહાય
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રાજ્યના વરિષ્ઠ નાગરિકો-સિનીયર સિટીજન્સને તીર્થધામોના દેવદર્શન કરાવવાની આ રાજ્ય સરકારની વિશિષ્ટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત ગૌરવ દિવસથી આ યોજનાનો શુભારંભ કરાવ્યો છે. વરિષ્ઠ વડિલોનું યાત્રાપૂણ્ય સાડા 6 કરોડ ગુજરાતીઓના સમગ્ર ગુજરાતના વિકાસ, શાંતિ સલામતિ સમૃધ્ધિને સમર્પિત કરવાની ખેવના સાથે આ યોજનાનું વધુને વધુ વડીલો લાભ લઈ શકે તે આશયથી રાજ્ય સરકારે યોજનાના ધારાધોરણોમાં નોંધપાત્ર ફેરફારો કર્યાં છે,
તેના પરિણામે વધુને વધુ વડીલો આ યોજનાનો લાભ લઈ શકશે. પ્રવાસનમંત્રી પૂર્ણેશભાઈ મોદીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજનાનો લાભ વધુ વરિષ્ઠ નાગરિકો મેળવી શકે તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે.
આ યોજના હેઠળ હાલમાં એસ.ટી.ની સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.)નું ભાડું અથવા ખાનગી બસનું ભાડુ બે માંથી જે ઓછું હોય તેની 50 ટકા રકમ સહાય આપવામાં આવતી હતી, તેના બદલે હવે એસ.ટી.ની સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.), એ.સી. કોચ, સ્લીપર કોચનું ભાડુ અથવા ખાનગી બસનું ભાડુ બે માંથી જે ઓછું હોય તેની 75 ટકા કે તેથી વધુ રકમની સહાય અપાશે.
યાત્રાધામોના બે રાત્રિ અને ત્રણ દિવસ (૬૦ કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં વધારો કરી ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (૭૨ કલાક) સુધીની જોગવાઈ
૭૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે એક ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના એટેન્ડન્ટને લઈ જઈ શકશે
શ્રવણતીર્થ યોજના અંતર્ગત ઓછામાં ઓછા ૩૦ વરિષ્ઠ નાગરિકોના સમૂહના બદલે હવે ૨૭ ની વરિષ્ઠ નાગરિકોના સમૂહ અરજીનો લાભ મળશે
યોજનાના સરળીકરણ તથા રોજગારીના સર્જન માટે નિગમની ૧૬ વિભાગીય કચેરીઓમાં બોર્ડના એક-એક પ્રોજેક્ટ આસિસ્ટન્ટની નિમણૂંક કરાશે