કલોલ અને માણસા તાલુકામાં સિઝનનો માત્ર 30 ટકા વરસાદ
ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં હાલ મેઘરાજાની મહેર થઈ રહી છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચોમાસાની મોસમ બેવડી નીતિ અપનાવી રહી હોય તે પ્રકારે અનુભવવા મળી રહી છે. શહેરમાં ઘણા દિવસથી ચોમાસાની મોસમ અનુભવવા મળી રહી હોય તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ૧૫મી જૂનથી વિધિવત રીતે શરૃ થયેલી ચોમાસાની સિઝનમાં રાજ્યના પાટનગર અને જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસ દરમિયાન છ થી આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના ચારેય તાલુકામાં વરસાદે વિરામ લીધો છે. તો અત્યાર સુધીની ચોમાસાની મોસમમાં જિલ્લા ના કલોલ અને માણસા તાલુકામાં ૩૦ ટકા વરસાદ નોંધાયો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી બદલાયેલા હવામાનના પગલે મેઘરાજા મહેરબાન થયા હોય તે પ્રકારે વરસી રહ્યા છે.
ચોમાસાની મોસમનો વિધિવત રીતે પ્રારંભ થઈ રહ્યો હોય એમ તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ વાતાવરણની અસર શહેર અને જિલ્લા ઉપર અનુભવવા મળી હોય તે પ્રકારે ગાંધીનગર સહિત દહેગામ, કલોલ અને માણસામાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ઘણા દિવસથી વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણનો સામનો નગરજનોને કરવો પડી રહ્યો છે. ત્યારે થોડા દિવસ અગાઉ અચાનક વાતાવરણમાં ફેરફાર થતાં પાટનગરના આકાશમાં કાળા ડિબાંગ વાદળો આવી ચડયા હતા અને ઠંડા પવન ફૂંકાતા નગરજનોએ પણ અસહ્ય ઉકળાટમાંથી રાહત મેળવી હતી. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનના પારામાં ઘટાડો નોંધાવા પામ્યો હતો. ત્યારે ગાંધીનગર શહેરમાં વરસાદની બેવડી નીતિ અનુભવવા મળ્યું હોય તે પ્રકારે ઘણા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તો ઘણા સેક્ટરમા ઝરમર વરસાદ પડે છે . તો ઝરમર વરસાદની અવીરત ગતિ બુધવાર સુધી ચાલુ રહી હતી. ત્યારે ગુરુવારે વરસાદે વિરામ લીધો હતો અને વાતાવરણમાં પણ પલટો આવતા તાપમાનના પારામાં વધારો નોંધાયો છે.
આ વર્ષે ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં ગાંધીનગર જિલ્લામાં ૩૫ ટકાથી વધુ વરસાદ નોંધાવવા પામ્યો છે. જેમાં માણસા તાલુકામાં ૨૩૮ એમએમ એટલે કે ૩૦.૫ ટકા જ્યારે કલોલ તાલુકામાં ૨૪૨ એમએમ એટલે કે ૩૦.૮૬ ટકા વરસાદ પડી ચૂક્યો છે. તો બીજી તરફ સૌથી ઓછો ગાંધીનગર તાલુકામાં અત્યાર સુધીમાં વરસાદ નોંધાયો છે જ્યારે ગાંધીનગર શહેરમાં ૧૭૫થી વધુ એમ. એમ એટલે કે છ ઇંચ જેટલો વરસાદ છેલ્લા ૩૭ દિવસ દરમિયાન પડયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનના પારામાં વધઘટ નોંધાઈ રહી છે. મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી આવીને અટક્યો છે. તો બીજી તરફ ભેજના પ્રમાણમાં થોડો વધારો નોંધાતા શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો. ભેજના પ્રમાણમાં થઈ રહેલા વધારાના પગલે ગાંધીનગર શહેર અને જિલ્લામાં હજુ વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.