લઠ્ઠાકાંડ : રાજયના પૂર્વ મંત્રી સૌરભ પટેલના મિત્રની કંપનીમાં ‘કેમિકલ’ બન્યું
ગાંધીનગર :
બોટાદ જિલ્લાના ગામોમાં થયેલાં લઠ્ઠાકાંડમાં વપરાયેલું કેમિકલ મિથેનોલ અમદાવાદના ઉદ્યોગપતિ સમીર પટેલની એમોસ કેમિકલ કંપનીમાંથી લઈ જવાયું હતું. આ સમીર પટેલ ભૂતપૂર્વ મંત્રી સૌરભ પટેલના ખાસ નજીકના દોસ્ત છે. બંને અમદાવાદમાં ઉદ્યોગપતિ હોવાથી તેમની વચ્ચે ત્રીસ વર્ષથી મિત્રતા હોવાનું સૂત્રો જણાવે છે. એટલું જ નહીં સૌરભ પટેલ જે બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટના પ્રમુખ છે તે જ ટ્રસ્ટમાં સમીર પટેલ પણ ટ્રસ્ટી હોવાની વાતો જાણવા મળી છે. સમીર પટેલ કોંગ્રેસની સરકારમાં ઉદ્યોગમંત્રી રહી ચૂકેલા નલીન પટેલના પુત્ર છે. આ મામલે સૌરભ પટેલે કહ્યું કે, સમીર પટેલ મારા વર્ષોથી મિત્ર છે અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે વર્ષોથી જોડાય છે. તેઓ પ્રતિષ્ઠિત કુટુંબમાંથી આવે છે અને આ ઘટના બની તેમાં સમીર પટેલનો કોઈ દોષ નથી, કારણ કે તેમની કંપની કેમિકલ બનાવે છે અને તે સરકારની મંજૂરી સાથે જ ઉત્પાદન અને વેચાણ કરે છે. ચોરી થઈ હોય તેવા કિસ્સામાં તેમનો દોષ નથી.
આ તરફ બોટાદ ભાજપના જિલ્લા પ્રમુખ ભીખુભા વાઘેલા સુધી પણ લઠ્ઠાકાંડના તાર પહોંચ્યા છે. સ્થાનિક ભાજપના સૂત્રો જણાવે છે કે, ભીખુભા અને આ કેસમાં સસ્પેન્ડ થયેલાં એએસઆઈ યાસ્મીનબાનુ વચ્ચે સંબંધો હતા. આ બંને એકબીજાના સહયોગથી દારૂના સ્ટેન્ડ ચલાવતાં લોકોથી માંડીને અમુક વેપારીઓ પાસેથી હપતા લેતા હતા. આ કારણોસર ફરિયાદ થતાં યાસ્મીન બાનુની બદલી બરવાળા કરી દેવાઈ હતી, પરંતુ આ જોડીએ અહીં પણ પોતાની પ્રવૃત્તિ ચાલું રાખી હતી.
બરવાળા પોલીસ સ્ટેશનની હદમાં આવતાં બુટલેગરો દારૂનો ધંધો કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા પણ ભીખુભા અને યાસ્મિન બાનુએ કરી આપી હોવાનો આરોપ સ્થાનિકોએ મૂક્યો છે. જ્યારે ભીખુભા વાઘેલા કહ્યું કે, યાસ્મીન બાનુના પિતા મારા એક સંબંધીના પાડોશી હતા એટલે મારે તેમની સાથે પરિચય છે. બાકી અમારી વચ્ચે કોઈ પણ પ્રકારના સંબંધો નથી અને કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ અમે કરી નથી.