રાંધેજાની શાળામાં વરસાદી પાણીથી બાળકોના આરોગ્ય સામે જોખમ
છેલ્લા 7 વર્ષથી ગામનું પાણી શાળા કમ્પાઉન્ડમાં આવતું હોવા છતાં નિકાલની વ્યવસ્થા નથી, વિદ્યાર્થીઓના આરોગ્યને લઇ વાલીઓ ચીંતામાંછેલ્લા સાત વર્ષથી વરસાદી પાણી રાંધેજાની સરકારી કુમાર પ્રાથમિક શાળાના મેદાનમાં જમા થાય છે. આથી બે ફુટ જેટલા ભરાતા પાણીને પગલે શાળાના બાળકો રોગચાળાનો ભોગ બને તેવી ચિંતા વાલીઓને કોરી ખાય છે. વરસાદી પાણી શાળાના મેદાનમાંથી નિકાલની કોઇ જ વ્યવસ્થા કરવામાં નહી આવતા લોકોમાં રોષ ઉઠ્યો છે. છેલ્લા દસેક દિવસથી પડી રહેલા વરસાદે ગ્રામ્ય વિસ્તારોની શાળાઓની દયનીય સ્થિતિનો ચિતાર સપાટી ઉપર આવ્યો છે. જોકે શાળાઓના મકાનોનું રિનોવેશન કરાવવામાં લેટ લતીફ જેવી નિતી ચાલી રહી છે.પરંતુ શાળાના મેદાનમાં ગામનું વરસાદી પાણી ભરાય નહી તે માટે પણ કોઇ જ ચોક્કસ અને નક્કર આયોજન કરવામાં આવતું નથી. તેમ રાંધેજાની પ્રાથમિક શાળામાં ભરાતા બે-બે ફુટ જેટલા વરસાદી પાણી પરથી લાગી રહ્યું છે. જોકે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને કારણે ઓનલાઇન શિક્ષણ ચાલતું હતું. તેવા સમયગાળામાં વરસાદી પાણી ભરાય નહી તેના માટેની કોઇ જ કામગીરી સરકાર કે ગ્રામ પંચાયત દ્વારા કરાઇ નથી.જોકે હગામનું વરસાદી પાણી શાળાના મેદાનમાં ભરાય નહી તે માટે કોઇ જ કામગીરી કરવામાં આવી નહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.
શાળાના મેદાનમાં પાણીના ભરાવાથી ક્લાસ રૂમમાં સતત ભેજ રહે છે. શાળાની આવી સ્થિતિ અંગે શિક્ષણ વિભાગ, ગ્રામ પંચાયત, મહાનગર પાલિકા સહિતમાં લેખિત તેમજ મૌખિક અનેક વખત રજુઆત છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જ હોવાનું ગ્રામજનોએ અને વાલીઓએ જણાવ્યું છે.