મન્કીપોક્સઃ એરપોર્ટમાં વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ શરૃ
મન્કીપોક્સના કેસમાં ચિંતાજનક વધારો થવા લાગ્યો છે અને અત્યારસુધી સમગ્ર દેશમાંથી ૭ કેસ નોંધાયા છે. મન્કીપોક્સના વધતા કેસને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સ્ક્રીનિંગ શરૃ કરી દેવામાં આવ્યું છે.સમગ્ર દેશમાં મન્કીપોક્સના કેસમાં વધારો થતાં અમદાવાદ ઉપરાંત દિલ્હી, મુંબઇ, બેંગાલુરુ એરપોર્ટમાં વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ શરૃ કરી દેવામાં આવ્યું છે. જે પણ મુસાફરના તાવ, પીઠ તેમજ સ્નાયુમાં દુઃખાવાના લક્ષણ જોવા મળે તેમને સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ટેસ્ટ માટે મોકલવામાં આવે છે.
ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં છેલ્લા એક મહિનાથી વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે ગુજરાતમાં હજુ સુધી એકપણ દર્દી નોંધાયો નથી.સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ એરપોર્ટમાં વિદેશથી આવતા જે પણ મુસાફરમાં મન્કીપોક્સના શંકાસ્પદ લક્ષણો જોવા મળશે તેને અસારવા સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવશે.સિવિલમાં મન્કીપોક્સના ૮ બેડનો વોર્ડ તૈયાર કરાયો છે. મન્કીપોક્સ વાયરસના ટેસ્ટ શરૃઆતના તબક્કામાં કોરોનામાં થતાં આરટીપીસીઆરની જેમ કરી શકાશે.