ગુજરાત હાઈકોર્ટ: એન્જિનિયર તરીકે લાયકાત ધરાવતી વ્યક્તિને કામદાર ગણવામાં આવતી નથી
ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદામાં નિર્ણય કર્યો છે કે એન્જિનિયરની લાયકાત ધરાવતી વ્યક્તિને કામદાર તરીકે ગણી શકાય નહીં. આ સાથે હાઇકોર્ટે આ અંગે ભરૂચ લેબર કોર્ટના આદેશને રદ કર્યો હતો. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે લેબર કમિશનર વિવાદને લેબર કોર્ટ અથવા ઈન્ડસ્ટ્રીયલ એક્ટ હેઠળ મોકલી શકે નહીં.2007માં ભરૂચ લેબર કોર્ટે એક કર્મચારીને કંપનીમાં શિફ્ટ એન્જિનિયર અને સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા વર્કમેન તરીકે જાહેર કરી તેને અગાઉની તારીખથી નોકરીમાં પુનઃસ્થાપિત કરી જરૂરી લાભો આપવા આદેશ કર્યો હતો. તેનાથી નારાજ થઈને કંપની દ્વારા લેબર કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
કંપની દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે કારીગર હોવાનો દાવો કરનાર વ્યક્તિ એન્જિનિયરની લાયકાત ધરાવે છે અને તગડો પગાર મેળવે છે, જેથી તેને ઔદ્યોગિક કાયદાની જોગવાઈઓ હેઠળ કામદાર તરીકે ગણી શકાય નહીં. લેબર કોર્ટનો આદેશ ખોટો અને ભૂલભર્યો છે. અગાઉ આ કર્મચારીને 1991માં નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલો લેબર કોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે કંપનીની અરજી માન્ય રાખી અને સ્પષ્ટ કર્યું કે દાવેદાર કર્મચારી તેની ફરજો અને પગારના પ્રકારને જોતા વર્કમેનની વ્યાખ્યામાં આવતો નથી.