આરોગ્યગાંધીનગરગુજરાત

કુડાસણની પ્રથમ હોસ્પિટલનો બિલ ના ચૂકવાય ત્યાં સુધી બાળકને રજા આપવાનો ધરાર ઈન્કાર !

ગાંધીનગર :કુડાસણ ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલે પૈસાના વાંકે સારવાર માટે આવેલા એક બાળકને બે માસથી રજા નહી આપી હોવાનો સનસનીખેજ આક્ષેપ બાળકના પિતાએ કર્યો છે. આ મામલે તેઓએ પોતાના બાળકને હોસ્પિટલમાંથી મુક્તિ અપાવવા 7 માટે ઇન્ફોસિટી પોલીસ મથકમાં અરજી પણ કરી છે. બાળકના પિતાએ અરજીમાં જણાવ્યા પ્રમાણે હોસ્પિટલે પ્રથમ આયુષ્માન કાર્ડ ચાલશે તેમ કહીને બાળકને હોસ્પિટલમાં દાખલ કરાવ્યુ હતુ અને ત્યારબાદ કાર્ડ નહી ચાલે તેમ કહીને પૈસા માંગ્યા હતા. જોકે, શ્રમજીવી પરિવાર બીલ ચુકવવામાં અસમર્થ હતો. જેના કારણે બાળક સ્વસ્થ હોવા છતા તેને હોસ્પિટલમાથી રજા આપવામાં આવતી નહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે બાળકના પિતા સંજય પ્રવિણભાઇ રાવળે ઇન્ફોસિટી પોલીસ મથકમાં કુડાસણ ખાતે આવેલ પ્રથમ હોસ્પિટલના સંચાલકો સામે કાર્યવાહી કરવાની રાવ કરી છે. પોલીસને આપેલી અરજીમાં તેઓએ જણાવ્યુ છેકે, તેની પત્નીને ગત તા. ૭ જુનના રોજ ગોઝારિયા ખાતે ડિલીવરી થઇ હતી. સ્થાનિક ડોક્ટરોએ તાજા જન્મેલા બાળકને બાળનિષ્ણાંત ડોક્ટર પાસે સારવારની સલાહ આપી હતી. આથી તેઓ કુડાસણ સ્થિત પ્રથમ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટર સાથે સંપર્ક થયો હતો. ડોક્ટરે કામકાજ અંગે પ્રશ્ન પુછ્યો હતો. પોતે મજુરી કરતા હોવાનું જણાવ્યુ હતું. ડોક્ટરે આયુષ્માન ભારત કાર્ડ હશે તો સારવાર થઇ જશે તેમ જણાવ્યુ હતું. ત્યારબાદ બાળકની સારવારના ઇંજેક્શન અને મેડિકલ ટ્રીટમેન્ટ પેટે ૨૫ હજાર હોસ્પિટલમાં જમા કરાવવાનું કહ્યુ હતું.

 જે પેટે ખેત મજુરી કરતા સંજય રાવળે ૨૦ હજારની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ તેઓએ આયુષ્માન ભારત કાર્ડ ડોક્ટરને આપ્યુ હતું. આથી ડોક્ટરે આયુષ્યમાન કાર્ડ નહી ચાલે તેમ કહીને સારવારના પુરા પૈસા ચુકવવા જણાવ્યુ હતું. થોડા પૈસા આપ્યા છે અને બાકીના સગવડ થયે આપવાનું સંજય રાવળે ડોક્ટરોને જણાવ્યુ હતું. પરંતુ જ્યાં સુધી આજદિન સુધીનું રોકડનું બીલ નહી ચુકવો ત્યાં સુધી બાળકને રજા આપવાની ના પાડવામાં આવી હતી. સંજય રાવળે ઇન્ફોસિટી પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે પોતાનું નવજાત બાળક સંપુર્ણ સ્વસ્થ થઇ ગયુ હોવા છતા છેલ્લા બે મહિનાથી પૈસા નહી ચુકવવાના કારણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતી નથી. હોસ્પિટલ દ્વારા દોઢ લાખનું બીલ ફટકારવામાં આવ્યુ છે. અને હજુ પણ રોજેરોજનું બીલ ચડાવવામાં આવી રહ્યુ છે.

 આ અરજીના આધારે ઇન્ફોસિટી પોલીસ ઇન્સપેક્ટરે હોસ્પિટલ ખાતે જઇને તપાસ કરી હતી અને બાળકને હોસ્પિટલમાંથી રજા અપાવવા મામલે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યુ છે. બાળકના પિતાએ જે અરજી કરી છે તે સંપુર્ણ બાબતે તેઓએ સોગંદનામું પણ કર્યુ છે. આયુષ્માન ભારત કાર્ડ ન ચાલતુ હોય તો પણ જે રીતે બાળક સ્વસ્થ હોવા છતા તેને સારવારના પૈસાના વાંકે બે માસથી રજા આપવામાં આવતી નથી તેવી પિતાની હૈયાવરાળે સાંપ્રત સમાજને હચમચાવી દીધો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x