અમદાવાદથી ગોવાનું હવાઈ ભાડું: 14 હજારને પાર
11 ઓગસ્ટે ગુરુવારે રક્ષાબંધન માટે જાહેર રજા છે, ત્યારબાદ અન્ય શનિવાર-રવિવાર અને સોમવારે સ્વતંત્રતા દિવસ છે. આમ, ઘણા લોકો શુક્રવારે એક દિવસની રજા ગોઠવીને પાંચ દિવસના મીની વેકેશનનું આયોજન કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદથી ગોવાનું વન-વે હવાઈ ભાડું સામાન્ય દિવસોમાં રૂ.5 હજારની આસપાસ હોય છે અને તે હવે 12મી ઓગસ્ટે રૂ.14 હજારને પાર કરી ગયું છે.જેમ જેમ રજાઓ નજીક આવી રહી છે તેમ તેમ આ હવાઈ ભાડું 15000ને આંબી જવાની ધારણા છે.
અમદાવાદથી મુંબઈનું મહત્તમ વન-વે હવાઈ ભાડું હવે વધીને 6427 રૂપિયા થઈ ગયું છે. જો તમે 15મી ઑગસ્ટની રજાઓમાં બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમારે સામાન્ય હવાઈ ભાડા કરતાં અઢી ગણું ચૂકવવું પડી શકે છે. વાત એમ છે કે રક્ષાબંધન, બીજો શનિવાર અને સોમવારની સળંગ રજાઓને પગલે અમદાવાદથી વન-વે હવાઈ ભાડામાં ભારે વધારો થયો છે. ટૂર ઓપરેટરોના જણાવ્યા અનુસાર, ગોવા હંમેશા ગુજરાતીઓ માટે વેકેશન મનપસંદ રહ્યું છે. ભારે માંગને કારણે તેના ગોવા, જયપુર, બેંગલુરુ, દેહરાદૂન માટેના હવાઈ ભાડામાં વધારો થયો છે. આ સિવાય એરક્રાફ્ટના ઈંધણના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાને કારણે હવાઈ ભાડા પણ આસમાનને આંબી રહ્યા છે. હવાઈ ભાડા સિવાય આ સ્થળોએ આવેલીહોટેલ-રિસોર્ટમાં પણ સંપૂર્ણ બુકિંગ મળવાનું શરૂ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે.