રક્ષાબંધન 11 ઓગસ્ટ ગુરુવારના રોજ ઉજવાશે
ભાઇબહેનના પવિત્ર બંધન અને પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ પર્વમાં દર વખતે કોઇને કોઇ વિઘ્નો અને ભદ્રા વિષ્ટિ યોગને કારણે રક્ષાબંધનમાં મુહૂર્તોનું ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. ઘણા સવાલો તમને થતા હશે. આ સવાલોના જવાબ આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, “આ વર્ષે શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધને સાંજે ૫-૧૭ તે પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરવી જોઇએ. જો આ સમયે રક્ષાબંધનની ઉજવણી તમે ના કરી શકો તો રાત્રે ૮-૫૧ એ ભદ્રા સમાપ્ત થયા બાદ પણ કરી શકો છો.
રક્ષાબંધન નો શુભ સમય
જો શુભ સમયની વાત કરીએ તો ૧૧ ઓગસ્ટે સવારે ૯-૩૫ થી પૂનમ તિથિ પ્રારંભ થાય છે અને ૧૨ ઓગસ્ટ શુક્રવારે સવારે ૦૭-૧૭ એ પૂર્ણ થશે.
તેથી ૧૨ ઓગસ્ટ દિવસ પર્યંત શ્રાવણ સુદ પૂનમ તિથિ રહેવાની હોવાથી આજ દીવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે.
શુભ મુહર્ત
સવારે ૧૧-૦૭ થી બપોરે ૨.૨૨ દરમિયાન કરવાનુ રહેશે
અને રાત્રે ૮-૫૨ બાદ રાત્રે ૧૦-૦૦ સુધી પણ કરી શકાય
આ શ્રેષ્ઠ મુહૂર્ત જેમાં રક્ષાબંધન કરવાથી બહેનોની મનોકામના અને ભાઇઓની રક્ષા થશે
ભદ્રકાલમાં રાખડી બાંધવી અશુભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રકાલમાં રાખડી બાંધવી અશુભ ગણાય છે. વાસ્તવમાં શાસ્ત્રોમાં કહેવાયુ છે કે, ભદ્રા શનિ મહારાજની બહેન છે જેને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હતો કે, જે પણ ભદ્રામાં શુભ કાર્ય કરશે તેને અશુભ ફળ મળશે તેથીજ રાહુકાલ અને ભદ્રાના સમયે શુભ કાર્યો કરવામાં આવતા નથી.
રાવણે ભદ્રામાં રાખડી બંધાવી હતી
એક પૌરાણિક માન્યતા અનુસાર લંકાપતિ રાવણે ભદ્રામાં રાખડી બંધાવી હતી અને તેનો એક વર્ષમાં જ વિનાશ થઇ ગયો હતો. તેથી ભદ્રા સમય સિવાય બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે, આ સિવાય રાહુકાલમાં પણ રાખડી બંધાતી નથી. જેનો સમયગાળો રાહુકાળ બપોરે ૨-૨૨ થી ૩-૫૯ થી છે.
એક અન્ય કથા અનુસાર…
બલિરાજાને વચન આપી ભગવાન વિષ્ણુ પાતાળમાં રોકાઈ ગયા હતા ત્યારે શ્રાવણ સુદપૂનમે માતા લક્ષ્મીએબલિરાજાને રક્ષા સૂત્ર બાધી ભાઈ બનાવી ભગવાન વિષ્ણુને મુક્ત કરાવ્યા હતા. તેમજ મહાભારતકાળમાં રાજસૂય યજ્ઞ વખતે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. આમ પૌરાણિક કાળથી બહેન ભાઈના અતુટ સબંધની સાક્ષી રક્ષાબંધનનો મહાપર્વ બની રહ્યો છે કહેવાય છે કે, શ્રાવણ સુદ પૂર્ણિમાના આ શુભ યોગબળે રક્ષાબંધનના દિવસે શુભ મુહૂર્તમાં રાખડી બાંધતા સમયે બહેને ભાઈ માટે કરેલ કામનાઓ અવશ્ય ફળે છે અને ભાઇના રક્ષણની સાથે સાથે તે સુખી પણ થાય છે.
તો શું રાશિ મુજબ રાખડી બાંધવી?
આ સવાલ પણ ઘણા લોકોના મનમાં થતો હશે, ઘણીવાર સમાજમાં એવી પણ ગેરમાન્યતાઓ હોય છે કે, અમુક આ રાશિના લોકોને અમુક કલરની રાખડી બાંધવી ઘણીવાર બહેનો આ પ્રશ્નને કારણે ચિંતા અનુભવતી હોય છે પરંતુ આવી શાસ્ત્રીય બાબતોની ચિંતા કરવી નહીં પરંતુ શુદ્ધ મન અને આત્માથી શુભ મુહૂર્તમાં ભાઇની રક્ષા થાય, સુખી થાય અને ભાઈ આપણી રક્ષા કરે તેવી મનોકામનાથી રક્ષાબંધન ઉજવવી જોઇએ. ભાઈએ પણ બહેનને ખુશ કરવા ભેટસોગાદ અને હંમેશા સાથ આપવાનું અને રક્ષણ કરવાનું વચન આપવું એજ શ્રેષ્ઠ રક્ષાબંધન ગણાય.