અમદાવાદમાં છેલ્લા 20 મહિનામાં માર્ગ અકસ્માતમાં 677 લોકોએ જીવ ગુમાવ્યા
અમદાવાદ શહેરમાં બેદરકારી અને ઓવર સ્પીડમાં ચાલતા વાહનોના કારણે થતા અકસ્માતોના કારણે જીવલેણ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં છેલ્લા 20 મહિનામાં માર્ગ અકસ્માતમાં 677 લોકોના મોતનો ચોંકાવનારો આંકડો છે. આ સાથે ગંભીર રીતે ઘાયલ લોકોની સંખ્યા પણ વધારે છે. વર્ષ 2021ની વાત કરીએ તો 403 લોકોના મોત થયા છે અને વર્ષ 2022માં અત્યાર સુધીમાં 274 લોકોના મોત થયા છે.જેમાં અમદાવાદ શહેરના I ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ જીવલેણ અકસ્માતના ગુના નોંધાયા છે. અમદાવાદ શહેરમાં દરરોજ નાના-મોટા અકસ્માતો પોલીસ ચોપડે નોંધાય છે. પરંતુ, જીવલેણ અકસ્માતો પણ વધી રહ્યા છે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, વર્ષ 2021માં જીવલેણ અકસ્માતોમાં કુલ 403 લોકોના મોત થયા છે અને વર્ષ 2022માં અત્યાર સુધીમાં 274 લોકોના મોત થયા છે. જો છેલ્લા 20 મહિનાની વાત કરીએ તો કુલ 662 જીવલેણ અકસ્માતો થયા છે. જેમાં કુલ 677 લોકોના મોત થયા છે. જેમાં અક્સમતમાં 102 મહિલાઓના મોત થયા હતા. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કુલ 14 ટ્રાફિક પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2022માં 845 જેટલા અકસ્માતના કેસ નોંધાયા હતા.જેમાં જીવલેણ અકસ્માતના 265 કેસ નોંધાયા હતા. વાત કરીએ તો સૌથી વધુ અકસ્માતો I ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.