શાકભાજીના ભાવમાં ઘટાડો; જાણો કેટલો ઘટાડો થયો
રાજ્યમાં એક પછી એક તહેવારો શરૂ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મોંઘવારીએ લોકોની ખુશીના રંગમાં ભંગ પાડવાનું કામ કર્યું છે. તહેવારને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં લોકોએ થોડી રાહત અનુભવી છે. કોરોના રોગચાળાને કારણે રાજ્યના લોકો છેલ્લા બે વર્ષથી તહેવારો ઉજવી શક્યા ન હતા. ત્યારે આ વર્ષે કોરોનાથી રાહત મળતા લોકો તહેવારોની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ મોંઘવારીથી લોકોમાં ખુશીનો પારો દેખાતો ન હોવાથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે, ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસે શાકભાજી અને ખાદ્યતેલના ભાવમાં થયેલા વધારાથી ગૃહિણીઓની ચિંતા વધી ગઈ છે. આજે પણ ખાદ્યતેલના ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. જો કે મોંઘવારીના આ ફટકા વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટતાં શાકભાજીની આવક વધી છે. જેના કારણે શાકભાજીના ભાવ ઘટી રહ્યા છે. શાકભાજીમાં 10 થી 20 રૂપિયાનો ઘટાડો થયો છે. ગવાર, ભીંડો, ફણસી, કંટોડા 120 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. ત્યારે વાલોડ, ફ્લાવર, પાપડી, ટીંડોળા 80 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. મહત્વનું છે કે, એપીએમસીમાં શાકભાજીના ભાવ નદીની પશ્ચિમે આવેલા વિસ્તારો કરતા વધારે છે. જેના કારણે લોકો શાકભાજીની ખરીદી માટે કાલુપુર તરફ ધસી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ તેલ બજારમાં આજના ભાવો પર નજર કરીએ તો પામતેલમાં એક દિવસમાં ડબ્બાદીઠ રૂ.90નો વધારો થયો છે. તો સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. પામ ઓઈલના 15 કિલોના ડબ્બાનો ભાવ 1990થી વધીને 2080 રૂપિયા થઈ ગયો છે. તેથી સિંગોઈલના એક ડબ્બાનો ભાવ 2800 રૂપિયાને વટાવી ગયો છે. કપાસિયા તેલના એક ડબ્બાનો ભાવ વધીને રૂ.2510 થયો છે.તહેવારોની સિઝન આવી રહી છે. આમ ખાદ્યતેલોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જે મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને પોષાય તેમ નથી. તહેવારોને ધ્યાનમાં રાખીને સરકારે રાજ્યના 71 લાખ રેશનકાર્ડ ધારકોને રાહત આપી છે. રાજ્યના 71 લાખ રેશનકાર્ડ ધારકોને 100 રૂપિયા પ્રતિ લિટરના ભાવે એક તેલ આપવામાં આવશે.