સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કવિ સંમેલનમાં કથિત રાષ્ટ્રવાદી કવિએ ગાંધીજીનું અપમાન કરતા પોલીસ ફરિયાદ કરાઈ
તાજેતરમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મધ્યપ્રદેશના કવિ દેવ કૃષ્ણ વ્યાસે આઝાદીની ચળવળમાં ગાંધીજીને વિલન બનાવીને કવિતા રજૂ કરી હતી. ગુજરાતમાં અને દેશમાં હવે ગુજરાતમાં કહેવાતા રાષ્ટ્રવાદીઓ દ્વારા ગાંધીજી અને તેમના અનુયાયીઓને સમયાંતરે અપમાનિત કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તેમ કરીને તેઓને રાષ્ટ્રવાદી બતાવવામાં આવે છે. . ગાંધીજીનું અપમાન કરવામાં તે ગર્વ અનુભવે છે. ખરેખર તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અપમાન કરવું એ રાજદ્રોહ જેવો ગંભીર ગુનો છે, પરંતુ આ કહેવાતા રાષ્ટ્રવાદીઓ ખુલ્લેઆમ આવું કરી રહ્યા છે અને આપણી રાષ્ટ્રવાદી સરકાર તેમની સામે કોઈ પગલાં લઈ રહી નથી. સરકાર માત્ર ગાંધીજીના નામનો ઉપયોગ કરીને પ્રસિદ્ધિ મેળવવા માંગે છે. જેના કારણે વિવાદ થયો હતો પરંતુ આજ સુધી આ રાષ્ટ્રવાદી કવિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ કાર્યક્રમ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગત 31 જુલાઈએ આયોજિત કરવામાં આવ્યો હતો. અહીં વિડંબના એ છે કે આઝાદી કા અમૃત મહોત્સવમાં જ ગાંધીજીનું અપમાન કરવામાં આવે છે, છતાં કવિ સામે કોઈ પગલાં લેવાતા નથી. આ વિવાદ અંગે હવે ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ કોંગ્રેસ આગળ આવી છે અને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કવિ વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી આપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ કોંગ્રેસના હોદ્દેદારોએ સૌપ્રથમ આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી હતી, પરંતુ તેમના દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં તેઓએ હવે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા અરજી કરી છે.આ કહેવાતા રાષ્ટ્રવાદીઓ દ્વારા ગાંધીજીનું સતત અપમાન થાય છે, ત્યારે સ્વયં-ઘોષિત ગાંધીવાદીઓ પણ મૌન રહે છે. એક કહેવત છે કે બદમાશોના ખરાબ કાર્યો કરતાં સજ્જનોનું મૌન વધુ નુકસાનકારક છે, એવું જ કંઈક આપણા દેશમાં અત્યારે જોવા મળી રહ્યું છે.