સર્વ વિદ્યાલય દ્વારા ત્રણેય કેમ્પસોમાં 170 ફૂટના ધ્વજદંડ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને નવો ઈતિહાસ સજર્યો
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી, કડી સર્વ વિશ્વવિદ્યાલય અને કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ, કડી દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત કડી અને ગાંધીનગરના સેકટર-15 અને સેકટર-23માં સ્થિત કેમ્પસોમાં ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતા 170 ફૂટના સ્તંભ ઉપર ૪૫ ફૂટ લંબાઈ અને 30 ફૂટ પહોળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ મંડળના ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ. પટેલના વરદ હસ્તે ત્રણેય પરિસરોમાં ફરકાવીને નવા ઈતિહાસનું સર્જન કર્યું છે. શ્રી વલ્લભભી પટેલે રાષ્ટ્ર ધ્વજને સલામી આપ્યા બાદ આઝાદીના શહીદોને અંજલિ પાઠવીને ઉપસ્થિત સર્વ વિદ્યાલય પરિવારજનોને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હૃદયના ઉમળકાભેર અભિનંદનની હેલી વરસાવીને રાષ્ટ્રકાજે સમર્પિત બની રહેવા અપીલ કરી હતી. વધુમાં, તેમણે રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સર્વ વિદ્યાલયના સ્થાપનાકાળ (1919)થી અને સવિશેષતઃ મહાત્મા ગાંધીએ તેની મુલાકાત 1929માં લીધા બાદ સર્વ વિદ્યાલય આઝાદીના સંગ્રામનું એક કેન્દ્ર બની ગયું હતું. તેની યાદ અપાવીને સંસ્થાના સંસ્થાપક અને સંચાલકો પૈકી સર્વશ્રી પૂજય છગનભા, દાસકાકા, આચાર્યશ્રી પોપટલાલ પટેલ, આચાર્યશ્રી ગામી સાહેબ વગેરે અને અનેક વિદ્યાર્થીઓ પૈકી મંડળના વર્તમાન પ્રમુખશ્રી ડૉ. કનુભાઈ પટેલના પિતાશ્રી ધનાભાઈ પટેલે વિદ્યાર્થીકાળ દરમ્યાન લીધેલ સક્રિય ભાગ તથા કડવા પાટીદાર કેળવણી મંડળના વર્તમાન પ્રમુખશ્રી મનુભાઈ પટેલના ભાઈ અને સર્વ વિદ્યાલયના વિદ્યાર્થી શ્રી મણિભાઈ પટેલે(ચાણસ્મા) આઝાદીની લડાઈમાં ભાગ લેતાં શહાદત વ્હોરી હતી તેની યાદ અપાવીને તેમના પ્રતિ ઋણ સ્વીકાર કર્યો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રના વિકાસમાં પ્રત્યેક નાગરિકની સક્રિય ભાગીદારી માટે કરેલ હાકલને આત્મસાત કરીને શ્રી વલ્લભભાઈ પટેલે સર્વ વિદ્યાલય દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ થકી ઉમદા નાગરિકોના ઘડતરના કાર્યને પવિત્ર ફરજ તરીકે સ્વીકારી લઈ ક્રિયાશીલ બનવા સર્વ વિદ્યાલયના પરિવારજનોને હાકલ કરી હતી. વધુમાં તેમણે ભારે ઉત્સાહપૂર્ણ માહોલમાં આ શાનદાર અને ગૌરવશીલ પ્રસંગે કરવામાં આવેલ સાજ-સજ્જાથી પ્રભાવિત થઈ આ ઉજવણી સર્વ વિદ્યાલય તેમજ કડી- ગાંધીનગરના ઈતિહાસમાં ગૌરવવંતી ઘટના બની રહેશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સર્વ વિદ્યાલયના ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને રાષ્ટ્રના સ્વાતંત્ર્યના અમૃત મહોત્સવ નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
આ સંદર્ભે નોંધવું રહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળતા બક્ષવા કડી અને ગાંધીનગરનાં સર્વ વિદ્યાલયનાં શૈક્ષણિક કેમ્પસોમાં ફરજ બજાવતાં તમામ 2800 કર્મચારીઓને પોતાના નિવાસ સ્થાન ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તરફથી રાષ્ટ્રધ્વજ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલ સર્વ વિદ્યાલય દ્વારા આ પૂર્વે વર્ષ 2019માં પણ 551 ફૂટ લાંબા તિરંગા સાથે ઐતિહાસિક ‘શૌર્ય યાત્રા’ કડી અને ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.