દિલ્હીના Dy. CM મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા, AAP કેન્દ્ર સરકાર પર થઇ નારાજ
દિલ્હી :
CBI એ દિલ્હીના Dy. CM મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, CBIએ દિલ્હી-એનસીઆરના લગભગ 20 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. દરોડા અંગે Dy. CM મનીષ સિસોદિયાએ કહ્યું છે કે અમે તપાસ એજન્સીઓને પૂરી ઈમાનદારી સાથે સહયોગ કરીશું. સીબીઆઈએ આ દરોડા એક્સાઈઝ પોલિસીના મામલામાં પાડ્યા છે. છાપેમારી બાદ મનીષ સિસોદીયાએ ટ્વિટ કરી લખ્યું કે, સીબીઆઈ આવો તમારું સ્વાગત છે, અમે ઈમાનદાર છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ. તેણે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણા દેશમાં જે સારું કામ કરે છે, તેને આવી રીતે જ પરેશાન કરવામાં આવે છે. આજ કારણે આપણો દેશ હજુ સુધી નંબર વન બની શક્યો નથી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયા પર સીબીઆઈના દરોડાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, આખી દુનિયા દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્ય મોડલની ચર્ચા કરી રહી છે. તેઓ આને રોકવા માંગે છે, તેથી જ દિલ્હીના આરોગ્ય અને શિક્ષણ મંત્રીઓ પર દરોડા અને ધરપકડો ચાલી રહી છે. 75 વર્ષમાં જેણે પણ સારું કામ કરવાનો પ્રયાસ કર્યો તેને રોકી દેવામાં આવ્યો. જેના કારણે ભારત પાછળ રહી ગયું. પરંતુ અમે દિલ્હીના સારા કામને રોકવા નહીં દઈએ.