એક્સ-સર્વિસમેન એસોસિએશન આજે ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરશે
સરકારી નોકરીઓમાં અનામત, ભૂતપૂર્વ સૈનિકો માટે જમીન જેવી અનેક માંગણીઓ સરકાર પૂરી નહીં કરે તો સોમવારથી એક્સ-સર્વિસમેન એસોસિએશન ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન શરૂ કરશે. જેમાં માજી સૈનિકો અને સમર્થકોને સવારથી જ પરિવાર સાથે ગાંધીનગર પહોંચી જવા જણાવાયું છે. આ સાથે જયાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર ન છોડવા પણ કહેવામાં આવ્યું છે. સેનામાંથી નિવૃત્ત થયા પછી, રાજ્ય સરકારે શહીદના પરિવારને 14 લાભો આપવાના હોય છે, જેમ કે નોકરી, જમીન, મેડિકલ વગેરેમાં 10% અનામત. જો કે, ગુજરાત સરકાર દ્વારા આ માંગણીઓ પૂરી ન કરવાને લઈને થોડા મહિનાઓ પહેલા ભૂતપૂર્વ સૈનિકોએ વિરોધ કર્યો હતો.
જેમાં સરકારે સૈનિક યુનિયન સાથે બેઠક યોજી માંગણીઓ પુરી કરવાની ખાતરી આપી હતી. પરંતુ ત્રણ માસ બાદ પણ માંગણી પુરી થઇ નથી. આથી માજી સૈનિક સંગઠને હવે ગાંધીનગરમાં સરકાર સાથે લડતની જાહેરાત કરી છે. જેમાં માજી સૈનિકોને તેમના પરિવારજનો અને સમર્થકો સાથે સોમવારે સવારે 5 વાગ્યાથી ગાંધીનગર સચિવાલય પહોંચી જવા જણાવાયું છે. તેમજ દરેકને પોતપોતાના કપડાં પહેરીને આવવા અને વધારાના કપડાં, છત્રી, પાવર બેંક વગેરે લાવવા માટે કહેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં કેટલાક દિવસો સુધી આંદોલન ચલાવવાની યોજના આપવામાં આવી છે.