આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે વાવાઝોડાની સંભાવના છે, જ્યારે ડીસા સહિત બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદ શરૂ થયો છે. ખાસ વાત એ છે કે હવામાન વિભાગે બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા છે. સાથે જ દીવ-દમણ અને દાદરાનગર હવેલી સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.
બીજી તરફ, સુરતના તમામ તાલુકાઓમાં જુલાઈ-ઓગસ્ટમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 61 ઈંચ વરસાદ નોંધાયો છે. 2019-2020માં લગભગ 58 ઈંચ વરસાદ પડ્યો હતો.ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 41 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમીરગઢમાં સૌથી વધુ 20 મીમી વરસાદ નોંધાયો છે. તો દાહોદમાં 16 મીમી, ધરમપુર 14 મીમી, કપરાડા 13 મીમી, દિયોદર 13 મીમી, વઘઈ 11 મીમી, લાખણી 11 મીમી, ડાંગ 9 મીમી, ચીખલી 8 મીમી, ખેરગામ 8 મીમી અને માળીયા 8 મીમી વરસાદ નોંધાયો છે.