અડાલજમાં બિલ્ડરોએ શિક્ષિકા સાથે કરી ઠગાઈ, ફ્લેટના 17 લાખ લીધા બાદ અન્યને વેચી છેતરપિંડી આચરી, પોલીસે નોંધ્યો ગુનો
ગાંધીનગર :
ગાંધીનગરના અડાલજ ગામની સીમના બ્લોક નંબર-829 ની જમીન ઉપર અડાલજ ટી.પી. નંબર-10 ના ફાઇનલ પ્લોટ નંબર-54/1 વાળી જમીન ઉપર રાજકુમાર સુગ્નોમલ મહેરચંદાણી, કિશોર નારાયણદાસ મહેરચંદાણી,અનિલ નારાયણદાસ મહેરચંદાણી, નારાયણદાસ સપ્નોમલ મહેરચંદાણી, કમલેશ સુસ્નોમલ મહેરચંદાણી (તમામ રહે.ચાંદખેડા) શ્રી લક્ષ્મીબાલાજી સ્ટેટસ નામની સ્ક્રીમ ભાગીદારીમાં ફ્લેટો બનાવી વેચવાની યોજના મુકી હતી જે સ્ક્રીમના બ્રોસર બહાર પાડવામાં આવ્યા હતા. જેના આધારે કલોલ તાલુકાના ધમાસણા મુકામે રહેતા શિક્ષિકા ભારતીબેન સંજયભાઇ પટેલે તેમના ભાગીદાર રશ્મીકાબેન વિપુલભાઇ પટેલ દ્વારા સ્ક્રીમના ફ્લેટ રાખવા માટે વર્ષ-2010 માં ઉક્ત બિલ્ડરોને સ્કીમની સાઈટ ઓફિસે મળ્યા હતા. અને વાતચીત કરી ફ્લેટ નંબર-બી-204 રૂપિયા 17 લાખમાં વેચાણ રાખવાનુ નક્કી કર્યું હતું. બાદમાં બિલ્ડરોએ ફ્લેટ સમય મર્યાદામાં તૈયાર કરી વેચાણ દસ્તાવેજ કરી પજેશન આપવાની બાંહેધરી પણ આપી હતી.
ઉપરોક્ત ફ્લેટ પેટે તા.22/04/2010 ના રોજ રૂ. 95 હજારનો ચેક તથા 7.55 લાખ રોકડા ઉપરાંત ભાગીદાર રશ્મીકાબેને 3.90 લાખનો ચેક, રૂ. 4.60 લાખ રોકડા મળીને કુલ રૂ. 17 લાખ ચુકવી દીધા હતા. ત્યારબાદ ઉપરોક્ત બિલ્ડરોએ શ્રી લક્ષ્મી બાલાજી સ્ટેટસ નામની સ્ક્રીમનુ ગુડામાંથી જરૂરી પરમીશન વગર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. જેનાં પગલે ગુડાએ સ્કીમ સીલ કરી દીધી હતી.
ભારતીબેનને માલુમ પડયું હતું કે, બિલ્ડરોએ સ્કીમ પૈકીના ફ્લેટ એકથી વધુ ગ્રાહકોને વેચી છેતરપીંડી આચરવામાં આવી છે. જે અંગે ફરિયાદો પણ થઈ હતી. આથી તેમણે અવાર-નવાર ફ્લેટના પજેશન બાબતે અને પૈસા પરત આપવા ઉઘરાણી કરતા બિલ્ડરોએ હાથ અધ્ધર કરી દીધા હતા. આખરે શિક્ષિકાએ જમીન તકેદારી સમિતી સમક્ષ ફરિયાદ કરી હતી. જેની તપાસના અંતે કલેકટરે હુકમ કરતાં અડાલજ પોલીસે ઉક્ત બિલ્ડરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.