અમિત શાહનો ઈશારોઃ કહ્યું- આ મહિનાના અંત સુધીમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બે તૃતિયાંશ બહુમતી સાથે સરકાર બનશે
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારને 1 વર્ષ પૂર્ણ થવા પર આજે મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું હતું અને ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે ગુજરાત ભાજપનો ચહેરો હશે તેવા સંકેત આપ્યા હતા. એટલું જ નહીં, તેમણે કહ્યું કે સપ્ટેમ્બરના અંતમાં ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવશે.અમિત શાહે વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં કેજરીવાલને આડે હાથ લેતા કહ્યું કે ગુજરાતમાં સપના જોનારા ક્યારેય સફળ નહીં થાય. આ સાથે જ અમદાવાદમાં હાજર કેજરીવાલે કહ્યું કે અહીંની સરકાર દિલ્હીથી ચાલે છે.વર્ચ્યુઅલ સંબોધનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતની ભાજપ સરકારના વખાણ કર્યા અને કહ્યું કે જ્યારે ભૂપેન્દ્ર પટેલને સીએમ જાહેર કરવામાં આવ્યા ત્યારે મીડિયાએ તેમની સામે સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ તેમણે સાબિત કર્યું કે બોલ્યા વિના પણ કામ થઈ શકે છે.
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખૂબ જ મજબૂત બની છે અને ગુજરાત સરકારે ડ્રગ્સનો સૌથી મોટો કારોબાર પકડ્યો છે, જેના માટે હું અભિનંદન પાઠવું છું.અમિત શાહના સંબોધનના છેલ્લા તબક્કામાં તેમણે ચૂંટણી સંકેત આપ્યો હતો કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપ બે તૃતિયાંશ બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બનાવશે.ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની હવા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે હું ગુજરાતની જનતાને ઓળખું છું. સપનાના વેપારીઓ ક્યારેય સફળ થતા નથી.