ગાંધીનગર ખાતે માજી સૈનિકોનું આંદોલન યથાવત, પ્રમુખે અનશન પર બેસવાની કરી ઘોષણા
ગુજરાતના માજી સૈનિકો પોતાના હક્ક અને અધિકારની માંગણી લઈને આજે પણ ગાંધીનગર ખાતે માજી સૈનિકોનું આંદોલન યથાવત છે. ગઈ કાલે આ શાંતિપૂર્ણ આંદોલન કરવા માટે ગાંધીનગર આવવાના હતા પરંતુ મંજૂરી નથી અને અન્ય કારણો આગળ ધરીને તેમને ચિલોડા નજીક અટકાવી દેવાયા હતા. રાજ્ય સરકાર સામે 14 પડતર માંગણીઓને લઈને આંદોલનના માર્ગે ચાલેલા માજી સૈનિકોએ આજે ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરી હતી. માજી સૈનિકોનું તેમની 14 માંગણીઓને લઈને આંદોલન યથાવત છે.
સરકારે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રદર્શન કરવા આવી રહેલ માજી સૈનિકોને જગ્યા ન ફાળવતા ચિલોડા નજીક ધરણાં પ્રદર્શન કરી રહ્યાં હતા ત્યારે પોલીસે બળપ્રયોગ કરીને તેમને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ તકરારમાં હાથાપાઈ થતા એક માજી સૈનિકને માર વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું. ગત મોડી રાતથી તમામ માજી સેનિકો નવા સચિવાલયના ગેટ નંબર એક પાસે ઘરણા પર બેઠા છે.
આ તમામ માજી સૈનિકોમાં સરકાર પ્રત્યે રોષ છે. આજે માજી સૈનિકોના આંદોલનનો બીજો દિવસ છે. આંદોલના બીજા દિવસે માજી સૈનિકોના પ્રમુખે અનશન પર બેસવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, હવે તેઓ સરકાર સાથે કોઈ મંત્રણા નહીં કરશે. જો સરકારે બેઠક કરવી હોય તો આંદોલન સ્થળે આવે તેવી માજી સૈનિકોની માંગ કરી છે. આજે માજી સૈનિકોએ નવા સચિવાલય સામે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે. આ આંદોલનમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો હાજર રહ્યા છે.