દેશમાં એક દેશ એક ટેક્ષના નારા પછી પણ ૬૪ પ્રકારના વેરા વસુલે છે: પરેશ ધાનાણી
આજરોજ વિધાનસભા ગૃહમાં ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયકમાં પૂર્વ વિપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, વિતેલા વર્ષોમાં અડધી રાત્રે દેશમાં એક દેશ એક ટેક્ષના નારા સાથે જી.એસ.ટી. કાયદો લાગુ કરાયો હતો પરંતુ, આજે પણ દેશમાં ૬૪ પ્રકારના જુદી જુદી રીતે વેરા વસુલાઇ રહ્યા છે. સરકાર દ્વારા નાણાંનું સુયોગ્ય વ્યવસ્થાપન ન થવાથી રાજયના છેવાડાના વ્યકિતને અસર થવાની છે. ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં મંદીનો માહોલ છે. વેપાર ધંધા ભાંગીને ભૂકો થઇ ગયા છે. સામાન્ય માણસની ખરીદ શકિત ઘટી છે. અને જીવન જીવવુ દોહયલુ થઇ ગય છે. ધંધો રોજગાર મળતા નથી ત્યારે ભાજપ સરકાર સામાન્ય માણસની ચિંતા કરવાના બદલે ઉત્સવો, મહોત્સવો મનાવીને તાયફાઓ કરીને પ્રજાના ખિસ્સામાંથી વસુલ કરેલ ટેક્સના નાણાથી ભરેલી સરકારી તિજોરીને ખાલી કરી રહી છે. મંદીના માહોલમાં ગુજરાત ઔદ્યોગિક પ્રગતિ કરી રહયુ હતું તે પ્રગતિ રૂંધાણી છે, જી.એસ.ટી. કાયદામાં વારંવાર સુધારાને કારણે લાખો વેપારીઓ ઉપર કરનું ભારણ આવવાનું છે, સરકારની નિષ્ફળ નાણાં નિતીના કારણે ગુજરાતનો વિકાસ રૂંધાયો છે ત્યારે પાડાના વાંકે પખાલીને ડામ ન દેવા જોઇએ. જી.એસ.ટી. માં વારંવારના સુધારાઓ કરીને સામાન્ય માણસની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર ૫ ટકા થી ૧૮ ટકા સુધી જી.એસ.ટી.માં વધારો ઝીંક્યો છે. પ્રિન્ટીંગ, ડ્રોઇંગ, લગ્ન કંકોત્રી, બ્લેડ, પેન, પેન્સિલ, ચાપનર, સબમર્સીબલ પંપ, એગ્રીકલ્ચર પ્રોડક્ટના પાર્ટ, મશીનરી, ડેરી મશીનરી ઉપર ૧૨ ટકા જી.એસ.ટી. હતો જેમાં વધારો કરીને ૧૮ ટકા કરવામાં આવ્યો. લોખંડ, કોપર, એલ્યુમિનિયમ, એલ.ઇ.ડી.લાઇટ, એલ.ઇ.ડી.પંપ, સોલાર વોટર પંપ, લેધર ગુડજ એન્ડ ફુટવેર, પેટ્રોલિયમ અને કોલ બેઝ મીથેન, ઇ-વેસ્ટ ઉપર પ ટકાથી ૧૨ ટકા જી.એસ.ટી.માં વધારો કરાયો છે. જયારે દુધ, દહીં, છાસ, લસ્સી, બાજરીનો લોટ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, મગનો લોટ, અડદનો લોટ વિગેરે જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપર વેરાના દરમાં વારંવાર વધારો કરીને આ ભાજપ સરકારે સામાન્ય માણસની કમર તોડી નાખી છે. વર્ષ ૧૯૯૫ માં રાજયમાં કુલ ૭000 કરોડ રૂપિયાનો વેરો વસુલાતો હતો જે અત્યારે ૧ લાખ કરોડ રૂપિયા વસુલવામાં આવે છે. આથી જી.એસ.ટી.કાયદાનું સરળીકરણ કરવામાં નહીં આવે તો સામાન્ય પ્રજા હવે આખી સરકાર જ બદલી નાંખશે.