નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ, ગાંધીનગરમાં ચણિયાચોળી ખરીદવા ભીડ જામી
મા આદ્યશક્તિની આસ્થા અને ઉપાસનાના પર્વ નવલી નવરાત્રીનો થોડા દિવસો બાદ પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ સુધી માઈભક્તો માની ભાવભક્તિથી પૂજા અર્ચના કરે છે. સાથે જ યુવક-યુવતીઓ માતાજીને પ્રસંન્ન કરવા માટે ગરબે ઘૂમે છે. ગુજરાતની નવરાત્રીની વિશ્વમાં એક આગવી ઓળખ છે. વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ પણ નવરાત્રીને કહેવામાં આવે છે. ત્યારે ગાંધીનગરની યુવતીઓમાં નવરાત્રીનો એક આગવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના અક્ષરધામ ફુટપાથ જેવા વિસ્તારમાં ચણિયાચોળીની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી રહી છે. આ વખતે અવનવી ડીઝાઈનવાળી ચણિયોચોળી બજારમાં જોવા મળી રહી છે. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે,મોટી સંખ્યામાં લોકો અહીં નવરાત્રિમાં પહેરવા માટે નીતનવી ડિઝાઇનવાળી ચણિયાચોળી ખરીદવા માટે આવે છે. વળી અહીં દર વર્ષે ચણિયા ચોળીની નવી ડિઝાઇનો જોવા મળે છે.
નવરાત્રિને હવે બે જ દિવસ બાકી રહી ગયા છે, ત્યારે નવી ચણિયાચોળી ખરીદવા માટે લો ગાંધીનગરની મીના બજાર ,સેકટર-૨૪ જેવી બજારમાં પડાપડી થઈ રહી છે. આ વર્ષે નવરાત્રિમાં બાંધણી અને પટોળાના પ્રિન્ટવાળી વજનમાં હલકી હોય તેવી ચણીયાચોળીની ડિમાન્ડ વધુ છે. સાથે જ એંકલ લેંથ અને ડિજીટલ પ્રિન્ટની ડિઝાઇનર ચણિયાચોળી, ડિઝાનર બ્લાઉઝ, શોર્ટ બેકલેસ બ્લાઉઝનો પણ ટ્રેન્ડ છે. હેવી ભરતકામ કરતા રંગબેરંગી લાઇટ કલર વર્ક લોકોને વધુ પસંદ આવી રહ્યું છે. બીજી તરફ કુર્તા અને કોટી પણ ભારે ડિમાન્ડમાં છે. આ કુર્તા પહેરવામાં પણ કમ્ફર્ટેબલ છે. છોકરામાં હાથના લટકણ, વર્ક વાળી ટોપી કે વિવિધ હાથ પગના લટકણ અને વર્કવાળી કોટી ટેન્ડમાં છે. અને હેવી દુપટ્ટા પણ ડિમાન્ડમાં છે. જ્યારે આ વર્ષે નાના લાઇટ ધરેણાની સાથે લાંબા અને હેવી જ્વેલરીનો પણ ટ્રેન્ડ છે. તો ગળાબંધ ચોકર વધારે ડિમાન્ડમાં છે.