અમદાવાદમાં એરપોર્ટને ટક્કર આપવા રેલવે સ્ટેશન બનાવાશે, તસવીરો જોઈને દિલ ખુશ થઈ જશે
અમદાવાદને વધુ એક મોટી ભેટ મળવાની છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ અમદાવાદના રેલ્વે સ્ટેશનનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. અમદાવાદમાં આધુનિક રેલવે સ્ટેશન બનાવવામાં આવશે, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે આ માહિતી આપી હતી. દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે આજે અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી છે. અમદાવાદ, નવી દિલ્હી અને CSMT તેમજ મુંબઈ રેલ્વે સ્ટેશનનો પણ પુનઃવિકાસ કરવામાં આવશે.
સમગ્ર પ્રોજેક્ટમાં આશરે ₹10,000 કરોડનું રોકાણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતમાં અમદાવાદ મેટ્રો ટ્રેન અને વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આમ, નવરાત્રીના આ દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે બે મહત્વની ટ્રેન મળવા જઈ રહી છે ત્યારે આજે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ આધુનિક સ્ટેશનને કારણે રેલ્વે મુસાફરીનો અનુભવ વધુ સુવિધાજનક અને અદ્ભુત બનશે.