ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખે ચૂંટણી વચ્ચે રાજીનામું આપ્યું
ગાંધીનગર તાલુકા પંચાયતની મુદ્દત આડે હવે માત્ર છ મહિના બાકી છે. ત્યારે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ ગોપાલજી ઠાકોરે સામાજીક અને સ્વૈચ્છિક કારણોસર રાજીનામું આપતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ગાંધીનગર તાલુકા પંચાયતમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. જો કે, 20 સપ્ટેમ્બર-2020 ના રોજ, ગોપાલજી ઠાકોરને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા.ત્યારે પ્રમુખ પદ માટે બે સભ્યો દાવેદાર હોવાથી તત્કાલિન જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તેમને દોઢ વર્ષ માટે પ્રમુખ બનાવવાની ખાતરી આપી હતી. જોકે, તત્કાલિન જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ગોપાલજી ઠાકોરને દોઢ વર્ષ બાદ રાજીનામું આપવા જણાવ્યું હતું. પરંતુ ગોપાલજી ઠાકોરે ના પાડી હતી.
હવે અરવિંદસિંહ સોલંકીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ત્યારે ફરી તાલુકા પંચાયત પ્રમુખનો મુદ્દો ઉભો થયો હતો. જેનો હવે રાજીનામા સાથે અંત આવે તેમ લાગી રહ્યું છે.ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખના રાજીનામા અંગે તાલુકા વિકાસ અધિકારી વિનોદ જોષીને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે પંચાયત અધિનિયમ મુજબ તાલુકા પંચાયત પ્રમુખનું રાજીનામું મંજૂર કરવાની સત્તા જિલ્લા પંચાયતની સામાન્ય સભાની છે. તેથી રાજીનામું જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપવામાં આવ્યું છે.ગાંધીનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા ફરીથી બોલાવવી પડશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
વિધાનસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા પૂર્વે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજૂર કરવા સાથે નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાશે. લાભપાંચમ બાદ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે. કોંગ્રેસમાં ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ કે પ્રમુખ પણ ઠાકોર સમાજમાંથી જ છે. જો કે ગાંધીનગર તાલુકા પંચાયતના ઠાકોર સમાજના પ્રમુખે કેમ રાજીનામું આપવું પડ્યું તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.