રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, ટ્રાફિકના નિયમો તોડનારને આ તારીખ સુધી દંડ નહી
રાજ્યમાં દિવાળીના તહેવાર પહેલા વાહનચાલકો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને પોલીસ દ્વારા દંડ કરવામાં આવશે નહીં. ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કરનારાઓને ટ્રાફિક પોલીસ દ્વારા સમજાવવામાં આવશે. આ નિર્ણય 27 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે એટલે કે આગામી 6 દિવસ સુધી પોલીસ લોકો પાસેથી કોઈ ટ્રાફિક દંડ વસૂલશે નહીં.
તહેવારોની સિઝનમાં હર્ષ સંઘવીએ પણ સરકાર વતી આ જાહેરાત કરી છે અને નાગરિકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.બીજી તરફ અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને આજે ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. તહેવારોના માહોલને લઈને શહેરમાં ટ્રાફિકની સમસ્યાને જોતા ટ્રાફિક પોલીસ ફરી એકવાર કાર્યવાહીના મૂડમાં આવી ગઈ છે. આ મામલે DCP નીતા દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે લેવાયેલા પગલાંની માહિતી આપી હતી.અમદાવાદ શહેરના ટ્રાફિક અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે અમે દિલ્હી દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ક્લિયર કરવા ટીમ મોકલીશું.
તેમણે કહ્યું કે અમે ફટાકડા વિક્રેતાઓને મળીશું અને અમે તેમને જાણ કરી છે અને સમજાવ્યું છે કે ટ્રાફિક ન સર્જાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જરૂર પડશે તો ક્રેઈન મોકલીને વાહનોને ટોઈંગ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને લઈને અમદાવાદ શહેરના વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રાહકોના વાહનો પાર્ક કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે અને પાર્કિંગમાં સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે, પરંતુ સ્ટેશન ઈન્ચાર્જ પણ આ બાબતે તપાસ કરશે.