ગુજરાતમાં ધીમા પગલે ઠંડીનું આગમન સવારમાં ફુલગુલાબી ઠંડી પડવાની શરૂઆત લાગી છે. ત્યારે હવે આગામી દિવસોમાં ભારે ઠંડી પડશે
ઉત્તર ભારતમાં સતત હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન નિષ્ણાતોના મતે આ વખતે ઠંડી વધુ પડવાની શક્યતા છે. ઓક્ટોબરમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં એટલો ઘટાડો થયો ન હતો.
ગુજરાતમાં હાલ ધીમા પગલે ઠંડીનું આગમન થઇ ગયું છે. અને સવાર સવારમાં ફુલગુલાબી ઠંડી પડવાની શરૂઆત લાગી છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇને મહત્વની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જાર વધશે. તેમજ આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે અને આગામી દિવસમાં એક ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પૂર્વના પવનો કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અને રાજ્યના અનેક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો પણ નોંધાયો છે. અમદાવાદ સહિતના અનેક શહેરોના તાપમાનમાં હાલ ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાના કારણે આગામી પાંચ દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેશે.
નવેમ્બરની શરૂઆતમાં પણ ક્યારેક ગરમી અને ક્યારેક ઠંડી લાગતી હતી. પરંતુ હવે એવું નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વખતે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. ગુજરાતમાં ૧૮ થી ૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. પહાડો પર હિમવર્ષા શરૂ થયા બાદ આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજધાની દિલ્હીમાં ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો નીચે આવવા લાગ્યો છે.
આજના તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રી અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયું છે. તેમજ સુરતમાં ૨૪.૦૧ ડિગ્રી, રાજકોટમાં ૧૮.૦૪ ડિગ્રી તાપમાન છે. તો વડોદરાનું લઘુતમ તાપમાન ૧૭.૪ ડીગ્રી નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે કે હજુ પણ ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાઈ શકે છે.